Site icon Revoi.in

રાજકોટના કૂવાડવા નજીક હાઈવે પર ડમ્પર-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત, 3ને ઈજા

Social Share

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાજકોટના કૂવાડવા પાસે હાઈવે પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટ અમદાવાદ હાઇવે પર ગ્રીનલેન્ડ ચોકથી આગળ કુવાડવા પોલીસ સ્ટેશન પાસે સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી આવતું ડમ્પર ધડાકાભેર રીક્ષા સાથે અથડાયું હતું અને રિક્ષાનો કચરઘાણ બોલી ગયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી આગળ નવાગામ નજીક હાઈવે પર એક રિક્ષા ચાલકે અચાનક જમણી તરફ વળાંક લેતા પાછળ આવી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી રિક્ષામાં પાછળના ભાગે બેઠેલા અને રણછોડવાડીમાં રહેતા તેમજ ચાંદીની મજૂરી કામ કરતા 44 વર્ષીય પિતા પ્રવિણ પરસોત્તમ ગરસોંદીયા અને 18 વર્ષીય પુત્ર મયંક રિક્ષામાંથી નીચે ફંગોળાયા હતા. ડમ્પરનું ટાયર ફરી વળતા પિતા-પુત્ર લોહીલુહાણ થયા હતા અને બંનેના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. અકસ્માતના આ બનાવમાં  રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. રિક્ષામાં બેસેલા જનકાભા મહેન્દ્રસિંહ પરમાર, મધુબેન નારણભાઈ જાદવ, નારણભાઈ હરજીભાઈ જાદવ ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તનો સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.