Site icon Revoi.in

રાજકોટ-ગોંડલ હાઈવે પર ક્રેટા કાર ડિવાઈડર કૂદીને ફોર્ચ્યુનર સાથે અથડાતા બેનાં મોત

Social Share

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત રાજકોટ-ગોંડલ હાઈવે પર સર્જાયો હતો. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા શક્તિમાન કંપની પાસે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેટા કારચાલકે શાપરથી ગોંડલ તરફ જતા સમયે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કુદી સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. જે ભયંકર અકસ્માતમાં ક્રેટામાં સવાર બે લોકોના મોત નીપજ્યા હતા.

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભરૂડી ગામ પાસે આવેલા શક્તિમાન કંપની પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ-01-HW-5858 નંબરની ક્રેટા કાર શાપરથી ગોંડલ તરફ જતી હતી અને GJ-03-MH-7803 નંબરની ફોર્ચ્યુનર કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી. જેમાં ક્રેટા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરનું ડિવાઈડર કુદી સામેથી આવતી ફોર્ચ્યુનર કારમાં ધડાકાભેર અથડાતા ક્રેટા કાર પલ્ટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર કિરણ ખોડાભાઇ સિદપરા અને હસમુખ જગદીશભાઈ કિયાડાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો બનાવ બનતા લોકોનું ટોળું એકઠું થઈ જતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતુભા વાળા અને રમેશભાઈ વાગડીયા સહિતના સ્ટાફે અકસ્માત થયેલા વાહનને ક્રેનની મદદથી હટાવી હાઇવે પરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.