Site icon Revoi.in

ભાવનગરના તળાજા પંથકમાં ભારે તરખાટ મચાવ્યા બાદ અંતે બે દીપડા પાંજરે પુરાયા

Social Share

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠા વિસ્તારમાં દીપડાંનો ત્રાસને લઈને ખેડુતો પરેશાન બન્યા હતા. દીપડાઓ અવાર-નવાર પશુઓનું મારણ કરતા હતા. દીપડાના ભયને લીધે ખેડુતો પોતાના વાડી-ખેતર જતા પણ ડર અનુભવતા હતા. અને આ અંગે વન વિભાગને ફરિયાદ કરી હતી. દરમિયાન વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવીને નવી કામરોળ ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા. પાંજરામાં એક સાથે બે દીપડાં પુરાતા ખેડુતોએ રાહત અનુભવી છે.

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં છેલ્લા દોઢેક માસથી સીમ વાડીઓમાં પાલતુ પશુઓ ઉપર હુમલો કરીને મારણ કરતા દીપડાઓની ભારે રંજાડને કારણે માલધારીઓ ખેડૂતો અને પશુપાલકો, ખૂબજ ચિંતિત બન્યા હતા .તળાજા વન્યજીવ રેન્જ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પાંજરું મુકીને તળાજા નજીકના નવી કામરોળ ગામના રામદેવસિંહ બટુકસિંહ સરવૈયાની વાડીમાં મુકેલ પાંજરામાં એકી સાથે બે દીપડાને ઝડપી લઈને રેસ્ક્યુ કરતા તહેવારો ટાણે સીમ,વગડામાં વસવાટ કરતા ખેડૂતો પશુપાલકોએ રાહત અનુભવી છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એકાદ મહિના પહેલા તળાજાના નવા સાંગાણા ગામની સીમમાં આવેલા શેરડીના વાઢ વચ્ચે બે દીપડાએ દેખા દીધી હતી. અને સાંગાણા ગામની સીમ વાડીમાં એક પાડીનું મારણ કર્યું હતુ. ત્યારબાદ શેત્રુંજી કાંઠાના વિસ્તારમાં અવાર-નવાર દીપડાએ દેખા જઈને પાલતુ પશુઓ ઉપર હુમલા કર્યા હતા. દીપડાની રંજાડ વધી જતા આ વિસ્તારના લોકોની માગણીથી દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત હાથ ધરી હતી તે દરમિયાન બે પુખ્ત નર દીપડા ઝડપાઇ જતાં વન વિભાગ દ્વારા અસરકાર રેસ્ક્યુ કરીને બંને દીપડાઓને વનવિભાગના સલામત અનામત વિસ્તારમાં મોકલી આપ્યા હતા.

Exit mobile version