Site icon Revoi.in

બનાસકાંઠામાં પંચાયતના બે રસ્તાના કામો વન વિભાગની મંજુરીના અભાવે 5 વર્ષથી અધૂરા

Social Share

પાલનપુરઃ રાજ્ય સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે ઘણીવાર વિકાસના કામો ખોરંભે પડતા હોય છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જુદા જુદા બે રોડ છેલ્લા પાંચ છ વર્ષથી બનતા નથી. વન વિભાગની મંજૂરીના અભાવે અમીરગઢના ગઢડાથી નાનીઆવલ જતો અને મુમનવાસથી પાણીયારી રોડને નિર્માણ કાર્ય માટે મંજૂરીની દરખાસ્ત સરકારમાં પેન્ડિંગ છે. બંને રોડ પાંચ થી છ વર્ષ પહેલાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ વન વિસ્તારમાં રોડ બનાવવાનો હોવાથી વન વિભાગની મંજુરી મળતા નથી. અને જિલ્લા પંચાયતના સત્તાધિશો પણ ગાંધીનગર સુધી સબળ રજુઆકો કરી શકતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગઢડાથી નાની આવલ સુધીના બે કિલોમીટર લાંબા માર્ગમાં 600 મીટર વચ્ચે જંગલ વિભાગની જમીન આવે છે જેને લઇ રસ્તાનું કામ પાછલા પાંચ વર્ષથી અધૂરું મૂકવામાં આવ્યું છે. અંદાજિત 3 કરોડના ખર્ચે આ રસ્તો તૈયાર થવાનો હતો પરંતુ મંજૂરીના અભાવે રસ્તાનું કામ આગળ વધતું નથી. એ જ રીતે વડગામ તાલુકાના મુમનવાસથી પાણીયારી સુધીના ચાર કિલોમીટર લાંબા રસ્તામાં બે કિલોમીટર જેટલો વિસ્તાર જંગલમાં આવતો હોવાથી વન વિભાગ મંજૂરી આપતું નથી. જેના લીધે એ પાછલા કેટલાય વર્ષોથી સરકાર દ્વારા અંદાજિત ત્રણ કરોડના ખર્ચે બનનાર રસ્તા નું કામ પણ થઈ શક્યું નથી

અત્રે ઉલ્લેખનીય છે કે પાણીયારી ડેમ નજીક મોટી સંખ્યામાં સહેલાણીઓ શનિ રવિની રજામાં અવર-જવર કરે છે હાલમાં રસ્તો કાચો હોવાથી તેમજ નદી આવતી હોવાથી વાહનો ફસાવવાની અનેક ઘટનાઓ બને છે. તેવામાં જંગલ વિભાગ દ્વારા રસ્તાઓના કામોને ત્વરિત મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.