Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ત્રાસવાદીઓ ઝબ્બે

Social Share

નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ ક્રેરી બારામુલ્લાના ચક ટપ્પર ગામમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી.”

પોલીસના જણાવ્યા અનુસાર, ચક ટપ્પર ગામમાં આતંકવાદી ગતિવિધિઓ અંગે મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા દળો સાથે મળીને ચક ટપ્પરના બસ સ્ટોપ પર વાહનોની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે બે શકમંદો નજરે પડ્યાં હતા. જ્યારે તેમને રોકવાનો સંકેત આપવામાં આવ્યો, ત્યારે તેઓ ભાગ્યા હતા જો કે, અંતે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્ચ દરમિયાન બંને શકમંદોના કબજામાંથી બે ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝિન, 14 જીવતા કારતૂસ, હથિયારો, દારૂગોળો અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. ધરપકડ કરાયેલા શકમંદોની ઓળખ બાંદીપોરા જિલ્લાના દયામ મજીદ ખાન અને ઉબેર તારિક તરીકે થઈ છે. પ્ર પોલીસે કાયદાની સંબંધિત કલમો હેઠળ દયામ અને ઉબેર વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ આતંકવાદીઓના અન્ય કોઈ સ્થાનિક સાગરિતો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.