Site icon Revoi.in

પાકિસ્તાનમાં બે ટ્રેનોની ટક્કરને કારણે મોટો અકસ્માત, 33 ના મોત, 50 ઘાયલ  

Social Share

દિલ્હી :પાકિસ્તાનમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે.પાકિસ્તાનના ઘોટકી જિલ્લામાં આવેલ સિંઘ પ્રાંતના ડહારકી રેલવે સ્ટેશન નજીક બે ટ્રેનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 33 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 50 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર દ્વારા 33 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે.હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઘટના સવારના સમયે ડહારકી રેલ્વે સ્ટેશન નજીક બની હતી. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકો ટ્રેનની અંદર પણ ફસાયેલા છે. જેના કારણે તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આવતા કેટલાક કલાકોમાં મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પહેલા માર્ચ મહિનામાં પણ પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માત થયો હતો. અહીં કરાચી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો શિકાર બની હતી. આ ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુકકુર પ્રાંતમાં અકસ્માતનો શિકાર બની હતી. તેના આઠ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 40 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. આ દરમિયાન ઘણા લોકો ટ્રેનની અંદર ફસાયા હતા અને ટ્રેન સેવા પણ સ્થગિત કરવી પડી હતી.