Site icon Revoi.in

રાજકોટમાં મકાનના રિનોવેશન દરમિયાન ચોથા માળનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત

Social Share

રાજકોટઃ શહેરના નાનામવા રોડ પર જીવરાજપાર્કમાં આવેલા બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામનો સ્લેબ ધરશાયી થતા બે શ્રમિકોને મોત નિપજ્યા હતા જ્યારે એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો. મકાનના રીનોવેશન દરમિયાન ગેરકાયદેસર ચણતર કરવામાં આવેલા રવેશનો સ્લેબ ધરશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા હતા. જોકે, શિવાનંદ અને રાજુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સુરજકુમારને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પાંચ દિવસ પહેલા જ મ્યુનિ.કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપી હતી. નોટિસ આપીને ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવ્યું હતું. આજે ફરી બાંધકામ શરૂ કરાતા દુર્ઘટના થઇ હતી.

રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજપાર્કમાં આવેલા બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામનો સ્લેબ ધરશાયી થતા બે શ્રમિકોને મોત નિપજ્યા હતા જ્યારે એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવની કામગીરી શરૂ કરી હતી. બે શ્રમિકોના મૃત્યું થતા મૃતકના પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતક રાજુ સાગઠિયાના પરિવારજને જણાવ્યું હતું કે, રાજુ છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. જીવરાજપાર્કમાં અંબિકાટાઉનશીપમાં બિલ્ડિંગનું રિનોવેશન ચાલી રહ્યું છે. ચોથા માળે સ્લેબ ખોલતા હતા અને સ્લેબ માથે પડ્યો હતો. આથી તેનું મોત નીપજ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, અચાનક જ દુર્ઘટના સર્જાતા સ્થાનિક લોકો બચાવવા દોડ્યા હતા. 108ને જાણ કરતા દોડી આવી હતી.

રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હોવા છતાં પણ બાંધકામ ચાલુ રાખતા દુર્ઘટના સર્જાઇ હતી. અને બે શ્રમિકોના મોત નિપજયા હતા. ત્યારે હવે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.