Site icon Revoi.in

ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસઃ 24 વીડિયો જોઈને કાવતરાને અંજામ અપાયો હતો

Social Share

જયપુરઃ ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર ઓઢા રેલ્વે બ્રિજ પર બ્લાસ્ટ કરનાર કાકા-ભત્રીજાને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલ્યાં હતા. આરોપીઓના ભાગી જવાની આશંકાથી, પોલીસે તેમને હાથકડી લગાડવાની પરવાનગી માંગી હતી, જેના પર કોર્ટે તેમને હાથકડી લગાવવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી, 32 વર્ષીય ધૂલચંદ, જે ધોરણ 10 પાસ છે, તેણે ષડયંત્રને અંજામ આપવા માટે યુટ્યુબ પર 24 વીડિયો જોઈને વિસ્ફોટને અંજામ આપવાની પ્રક્રિયા શીખી હતી. આ પ્લાનમાં તેણે તેના 18 વર્ષના ભત્રીજા પ્રકાશ અને 17 વર્ષના અન્ય સગીર ભત્રીજાનો પણ સમાવેશ કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, વીડિયો જોયા બાદ ત્રણેય મળીને 30 વર્ષીય અંકુશ સુવાલકાનો સંપર્ક કર્યો હતો અને બે ભાગમાં વિસ્ફોટક મેળવીને આ ગુનાને અંજામ આપ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, પ્રકાશ ખાણમાં કામ કરતો હતો. ખાણકામ દરમિયાન બ્લાસ્ટના વાયરિંગ ફિટિંગ વિશે તેને પહેલેથી જ ખબર હતી.

જ્યારે તે અંકુશ સુહલકા પાસેથી પેલેટ્સ (સુપર 90 વિસ્ફોટકોના સળિયા) ખરીદવા ગયો ત્યારે તેણે તેને બોમ્બ કેવી રીતે બનાવવો તે પણ પૂછ્યું હતું. બ્લાસ્ટ માટે ધુલચંદ જવાર માઈન્સમાં ખાણકામ સાથે જોડાયેલા લોકો સાથે પણ વાત કરતો હતો. મહિનાઓ સુધી તે યુવકોને તેમની બ્લાસ્ટિંગ અને ડિટોનેટરની ક્ષમતા અંગે પ્રશ્નો પૂછતો હતો. ધુલચંદ એક કાપડની દુકાનમાં 5000 રૂપિયા મહિને કામ કરે છે. તે પરિણીત છે અને તેને બે બાળકો છે.

ઉદયપુરના એસપી વિકાસ શર્માના જણાવ્યા અનુસાર ધુલચંદે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે એક નહીં પરંતુ બે બોમ્બ બનાવ્યા હતા. માચીસ વડે પહેલો બોમ્બ સળગતાની સાથે જ તે ઝડપથી સળગવા લાગ્યો હતો. આનાથી ધુલચંદ અને તેની સાથે હાજર સગીર ભત્રીજો ડરી ગયા. તેમને બીજો બોમ્બ ફોડવાની તક પણ મળી ન હતી. જેના કારણે બીજો બોમ્બ ફાટ્યો ન હતો અને પુલ પરથી નીચે પડ્યો હતો.