નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026 : વર્ષ 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન.વી. અંજારીયાની બેન્ચે સાત આરોપીઓમાંથી પાંચને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, આ કેસના મુખ્ય આરોપી ગણાતા ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
સોમવારે (5 જાન્યુઆરી, 2026) ચુકાદો સંભળાવતા બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તમામ આરોપીઓના કેસનું અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોર્ટે અવલોકન કર્યું કે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યો મુજબ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની ભૂમિકા રમખાણોના કાવતરામાં ‘કેન્દ્રીય’ (Main Role) છે. માત્ર લાંબા સમયથી જેલમાં હોવાના આધારે તેમને જામીન આપી શકાય નહીં. જોકે, કોર્ટે ઉમેર્યું કે મુખ્ય સાક્ષીઓની તપાસ બાદ અથવા એક વર્ષ પછી તેઓ ફરીથી જામીન માટે અરજી કરી શકશે.
કોર્ટે આ કેસમાં ગુલફિશા ફાતિમા, મીરન હૈદર, શિફા ઉર્ફે રહેમાન, શહબાદ અહેમદ તથા મોહમ્મદ સલીમને કડક શરતો સાથે જામીન આપ્યા છે. ચુકાદો વાંચતા જસ્ટિસ અંજારીયાએ જણાવ્યું કે, “બંધારણની કલમ 21 (જીવનનો અધિકાર) અત્યંત મહત્વની છે, પરંતુ આ અધિકાર કાયદાકીય જોગવાઈઓની ઉપર નથી.” કોર્ટે UAPA (યુએપીએ) ની કલમ 15નો ઉલ્લેખ કરતા કહ્યું કે સંસદે આતંકવાદી ગતિવિધિની વ્યાખ્યા માત્ર બોમ્બ ધડાકા કે હિંસા પૂરતી મર્યાદિત રાખી નથી, તેનો વ્યાપ ઘણો મોટો છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપીઓ 2020 થી જેલમાં બંધ છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટે તેમની જામીન અરજીઓ ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 10 ડિસેમ્બર, 2025ના રોજ આ મામલે સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ: સી.જી. રોડ પર સ્પીડના શોખે માસૂમનો જીવ લીધો, સ્પોર્ટ્સ બાઈકે શ્રમિક યુવકને કચડ્યો

