Site icon Revoi.in

રશિયાને હુમલો રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની અપીલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને હુમલાની નિંદા કરી

Social Share

નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહીની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્રએ રશિયાને આ હુમલો રોકવાની અપીલ કરી હતી. આ હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમરજન્સી બેઠક પણ યોજાઈ હતી, યુક્રેનના પ્રતિનિધિએ બેઠકમાં હાજર તમામ દેશોને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિએ ઓન રેકોર્ડ યુદ્ધની જાહેરાત કરી છે. આ યુદ્ધને રોકવાની જવાબદારી આ સંસ્થાની છે.

યુએનએસસીમાં યુક્રેની પ્રતિનિધિએ કહ્યું, ‘હું દરેકને યુદ્ધ બંધ કરવા માટે આહ્વાન કરું છું.’ પોતાની વાત આગળ ચાલુ રાખીને તેમણે રશિયાના પ્રતિનિધિને કહ્યું કે, શુ મને આપના રાષ્ટ્રપતિ દ્વારા યુધ્ધની જાહેરાતનો વીડિયો ચલાવવો જોઈએ.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કરવાની જાહેરાત કરી છે. ટીવી પર કરવામાં આવેલી આ જાહેરાત દરમિયાન પુતિને યુક્રેનની સેનાને શસ્ત્રો નીચે મૂકવા માટે પણ કહ્યું હતું. પુતિને એમ પણ કહ્યું હતું કે, તેમની યોજનાઓ (ખાસ લશ્કરી કાર્યવાહીની) યુક્રેનના પ્રદેશ પર કબજો સામેલ નથી. એટલું જ નહીં પરંતુ પુતિને દુનિયાના અન્ય દેશોને પણ આ મામલે દખલ ન કરવાની ધમકી આપી હતી.

યુક્રેન સંકટને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું, ‘હું આજે સાંજે વ્હાઇટ હાઉસથી પરિસ્થિતિ પર નજર રાખીશ અને મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પાસેથી નિયમિત અપડેટ મેળવીશ. આવતીકાલે, હું સવારે મારા G7 સમકક્ષોને મળીશ. અમે અમારા નાટો સહયોગીઓ સાથે સંકલન કરીશું. બિડેને યુક્રેન પરના બિનઉશ્કેરણીજનક અને ગેરવાજબી હુમલાની પણ નિંદા કરી અને વચન આપ્યું કે વિશ્વ તેના માટે રશિયાને જવાબદાર ઠેરવશે. તેમણે કહ્યું કે આ હુમલાથી થયેલા મૃત્યુ અને વિનાશ માટે એકલું રશિયા જ જવાબદાર છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો સંયુક્ત અને નિર્ણાયક રીતે જવાબ આપશે.