Site icon Revoi.in

કેન્દ્રિય નાણામંત્રી સીતારમણ શનિવારે ગાંધીનગરના ગિફ્ટસિટીની મુલાકાત લેશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન  આગામી તા. 20 નવેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે. નાણામંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. તેમજ ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને ગિફ્ટ સિટીના પદાધિકારીઓ સાથે ગુજરાત વાઇબ્રન્ટ  સમિટમાં યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની તૈયારીની સમીક્ષા કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ-2022 ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 10મી જાન્યુઆરીથી યોજાશે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગત રસ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર પણ વધુ મુડી રોકાણો મેળવવા અધિકારીઓને પણ કામે લગાડવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી તા. 20મી નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રિય નાણામંત્રી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં યોજાનારા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અંગે તૈયારીઓની સમીક્ષા પણ કરશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન વિશ્વના રોકાણકારો અને ગ્લોબલ બિઝનેસ લિડર્સની સાથે કોરોના બાદ અર્થતંત્રને વૈશ્વિક સ્તરે ઊંચુ લાવવા અંગેના પરામર્શ બાબતે ચર્ચા કરશે.  ગિફ્ટ સિટીની ગુજરાત અને ભારતના અર્થતંત્રમાં ખૂબ મોટી ભૂમિકા રહેવાની છે. તેથી ગિફ્ટ સિટીના પટાંગણમાં જ આ કોન્ફરન્સ યોજાશે અને તે પૂર્વે અહીં નાણાંમંત્રી સીતારમણ આવીને તેના સંદર્ભમાં ચર્ચા કરશે. આ વખતે આત્મનિર્ભર ભારત થીમને આધારિત બાબત મુખ્ય મુસદ્દા તરીકે રહેશે. જો કે સોવરેઇન બોન્ડ મામલે પણ આ રાઉન્ડ ટેબલમાં ચર્ચા ફરી એક વાર થશે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ વાયબ્રન્ટ સમિટને સફળ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.