Site icon Revoi.in

જગન્નથાજીના મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભાગ લીધો

Social Share

અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી નગરચર્યાએ નિકળવાના હોવાથી ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી પરોઢથી મંદિરમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મંદિરની બહાર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિરમાં જય જગન્નાથજીના નારા લાગી રહ્યા છે. સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળવાના છે. તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. પ્રાતઃકાળની મંગળા આરતીમાં ભાગ લેવા માટે સાધુ-સંતો સહિત ભાવિકો ઉમટી પડ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરીને લોકોની સુખાકારી માટેના આશીર્વાદ માગ્યા હતા, મંગળા આરતીમાં અમિત શાહના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જગન્નાથજીના પાવન દર્શન કર્યા હતા. જગન્નાથજી મંદિરના મહંતે અમિત શાહનું સ્વાગત કર્યું હતુ

જગતના નાથ ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યાએ નીકળશે. શહેરના જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાનની રથયાત્રા હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે નીકળશે. વહેલી સવારે 3:45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ 4 વાગ્યે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા.અમિત શાહનું જગન્નાથજીના મહંતે શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. અમિત શાહએ મંગળા આરતી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓએ પણ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મંગળા આરતી દરમિયાન મંદિરના પરિસરમાં જ નહીં પણ મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. જય રણછોડ માખણ ચોરના નારીથી મંદિરનું વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.મંગળા આરતી બાદ વહેલી સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવાયો હતા. ત્યારબાદ 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને અને 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરી છે. યાત્રાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા સુરક્ષા માટે 3ડી મેપિંગ તકનીક અને ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ વખત ‘3D મેપિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે..

ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું.