Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જુનાગઢ યાર્ડનું લોકાર્પણ કરશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે  આવી રહ્યા છે. આજે સાંજે અમિત શાહ અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી પોતાના નિવાસસ્થાને જશે. ત્યારબાદઆવતીકાલે  શનિવારે અમિત શાહ ગાંધીનગર જશે. જ્યાં  જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં  અમિત શાહના દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરાશે.  ત્યારબાદ વડોદરાની MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે. રવિવારે અમિત શાહ જૂનાગઢ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે શુક્રવારે સાંજે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોંચશે. શનિવાર અને રવિવાર તેમના ભરચક કાર્યક્રમો ગોઠવાયા છે. જેમાં આવતીકાલે 18 માર્ચે ગાંધીનગરમાં ભારતીય ડેરી ફેડરેશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠકમાં હાજરી આપશે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફ્રી ફૂડ કેમ્પેઈનનો પ્રારંભ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતા પૂર્વે શાહ નારદીપુર તળાવના ઉદ્ઘાટન ઉપરાંત વાસણ તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્દઘાટન પણ કરશે. શાહ તા. 19મી  માર્ચે જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શને જશે. ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાંજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.