Site icon Revoi.in

કોરોના સામેની જંગમાં પોલીસ કર્મચારીની અનોખી સેવા, પોતાના ખર્ચે આપે છે માસ્ક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક જીવનનો એક અંગ બની ગયું છે. તેમજ સરકાર દ્વારા પણ માસ્ક ફરજીયાત પહેરવા આદેશ કરવામાં આવ્યાં છે. માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકોને પકડીને દંડ વસુલવામાં આવે છે. એટલું જ નહીં માસ્ક વગર ફરતા લોકોને માસ્કનું પણ વિતરણ કરે છે. શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારી માસ્ક વિના ફરતા લોકોને માસ્કનું વિતરણ કરે છે. એટલું જ નહીં માસ્ક પાસે ફરતા લોકોને ભેટ આપીને તેમને બિરદાવે પણ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા એએસઆઈ પ્રદીપસિંહ માસ્ક વગરના લોકો પોતાના ખર્ચે લાવેલા માસ્ક વિનામુલ્યે આપે છે. એટલું જ નહીં લોકોને કોરોના મહામારી વિશે જાગૃત કરવાનું પણ કામ કરે છે. પોલીસ કર્મચારી ચાર રસ્તા ઉપર માસ્ક પહેરીને ફરતા લોકોને પણ અટકાવે છે. તેમજ તેમના કાર્યને બિરદાવવા માટે ભેટ પણ આપે છે. બાળકોને ચોકલેટ તથા બિસ્કીટ અને મોટેરાઓને પેન ભેટમાં આપીને તેમને બિરદાવે છે. સેવાકીય પ્રવૃતિ કરનારા પોલીસ અધિકારી  પ્રદીપસિંહનું માનવું છે કે, સરકાર જે પગાર આપે છે તે પ્રજાના નાણાંનો છે અને તે થકી પ્રજાને જાગ્રત કરવાનો તેમનો ધર્મ છે.