Site icon Revoi.in

રાજકોટની 28 સોસાયટીમાં લાગુ કરાયો અશાંતધારો, મહેસુલ વિભાગનું જાહેરનામું

Social Share

અમદાવાદઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટમાં પ્રથમવાર કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટની 28 જેટલી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં સ્થાવર મિલકતનું હસ્તાંતરણ કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદ્દબાતલ ગણાશે. અમદાવાદ અને રાજકોટ સહિત છ મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજકોટમાં કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ, રેસકોર્ષ રિંગ રોડ, છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈનગર, ઈન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્કની સોસાયટીઓનો અશાંતધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહેસુલ વિભાગના જાહેરનામા પ્રમાણે 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે. જેથી આ વિસ્તારની સોસાયટીમાં મિલ્કતની ખરીદ-વેચાણ માટે કલેકટરની મંજૂરી લેવી પડશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા અગાઉ વિવિધ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજકોટમાં પણ પ્રથમવાર અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.