Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કાચી ઈંટો ધોવાઈ જતાં બ્રિક ઉદ્યોગને થયું નુકશાન

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને લીધે ઈંટ ઉદ્યોગને સારૂએવું નુકશાન થયું છે. ઈટો પાડવાની સીઝન શરૂ થયા બાદ ભાવનગર જિલ્લા સીદસર, વાળુકળ, ચિત્રા, નવાગામમાં જુદા-જુદા સ્થળોએ કાચી ઈટોનો જથ્થો તૈયાર કરીને રખાયો હતો, ત્યાં જ કમોસમી વરસાદનાં કારણે તૈયાર કાચી ઈટો ધોવાઈ જતા ઉત્પાદકોને નુકસાની સહન કરવા સાથે મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું, નુકસાની અંગે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ ખેડૂતો માટે ખતરારૂપ સાબિત  થયો હતો. ઉપરાંત ઈંટ ઉત્પાદકો ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યાં જેમ તેમ કરી ઉત્પાદન શરુ થયું અને કમોસમી વરસાદ આવી પડતાં સીદસર સહિતનાં આજુબાજુ ગામનાં ઈંટ ભઠ્ઠા માલિકોની પડતા પર પાટુ જેવી હાલત થઈ છે. ઉનાળાના સવા બે મહિના દરમિયાન જિલ્લામાં સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતા.જેમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેતીપાકને નુકશાન કર્યું હતું.  ઉપરાંત  માવઠાને લીધે  ઈંટના ભઠ્ઠાઓમાં ઠેરઠેર પાણી ફરી વળ્યુ હતું. ભારે વરસાદ આવી જતા ભઠ્ઠામાં બનાવેલી કાચી ઈંટ પાણીમાં ઓગળી ગઇ હતી. કમોસમી વરસાદના કારણે ઇંટના વેપાર સાથે સંકળાયેલા વર્ગને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત બંધ પડેલા ઇંટનાં ભઠ્ઠાનાં ધંધાને પણ શરૂ થાય તે પહેલા જ ગ્રહણ લાગી જતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન સીદસર અને આજુબાજુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાચી ઈંટો બનાવી હતી, જે બહાર સૂકવવા રાખેલી હતી તે દરમિયાન વરસાદ આવતા પાણી લાગવાથી હજારો ઈંટો પલળી જવાના કારણે ઉત્પાદકોને  નુકસાની થઈ છે. ભાવનગરનાં સીદસર વિસ્તારમાં જ 250થી વધુ ઈંટના ભઠ્ઠા ચાલે છે, જ્યારે જિલ્લાભરમાં 2થી 3 હજાર ભઠ્ઠા આવેલા છે. જેમને ભારે નુકશાની ભોગવવી પડી છે.