Site icon Revoi.in

કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી, કેસર કેરીના ભાવમાં 50 ટકાનો ઘટાડો

Social Share

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હાલ બજારમાં ફળોના રાજા કેરીની જંગી આવક થઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે કેરીના પાકને પણ નુકશાન થયું હતું. એટલું જ નહીં માર્ચ અને એપ્રિલ મહિનામાં પડેલા કમોસમી વરસાદને પગલે કેરીના ભાવને પણ અસર થઈ છે. ગણતરીના દિવસોમાં જ કેસર કેરીના ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે.

સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ કેસર કેરી આ વર્ષે લોકોને પુષ્કળ પ્રમાણમાં મળી રહેશે. અહેવાલો પ્રમાણે ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીનો પાક ઘણો સારો થયો છે. માવઠું આવ્યા છતાં બજારમાં ધૂમ કેસર કેરી ઠાલવાઇ રહી છે.  સાથે સાથે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ 50 ટકા સુધી ભાવ ઘટ્યા છે. તલાલા યાર્ડમાં એપ્રિલ મહિનાથી કેરીની હરાજી શરૂ થઇ હતી. પ્રથમ દિવસે 10 કિલો બોક્સના રૂ. 320થી 1 હજાર 75 ભાવ નોંધાયા હતા. પરંતુ મે મહિનાની શરૂઆતમાં આ ભાવ ઘટીને રૂ. 340થી 900 અને સરેરાશ રૂ. 460 નોંધાયા છે. તલાલા, ગોંડલ યાર્ડ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે પણ કેસર કેરીની ધૂમ આવક થઇ રહી છે.

રાજ્યના વિવિધ માર્કેટમાં હાલ કેસર કેરી ઉપરાંત, લંગડા, હાફુસ સહિતની કેરીઓની જંગી આવક થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં પડેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાકને નુકશાન થયું હતું. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. ગુજરાતની સુપ્રસિદ્ધ કેસર કેરી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વેચાણ થઈ રહ્યું છે.

Exit mobile version