Site icon Revoi.in

ગુજરાતમાં ફાગણે સર્જાયો અષાઢી માહોલ, કમોસમી વરસાદ અને વીજળીએ ચારનો ભોગ લીધો

Social Share

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ફાગણ મહિનોમાં અષાઢી માહોલ સર્જાયો હતો. અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં સોમવારે સમીસાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.અમે અમદાવાદ, ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વીજળીના કડાકા ભટાકા સાથે  કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.. કેટલાક સ્થળે કરા સાથે માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. કમોમસી વરસાદને કારે કેરી સહિતના પાકને નુકશાન થયું છે. વરસાદ સાથે વીજળી પડતા રાજકોટના ત્રંબા સહિત રાજયમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ કમોસમી વરસાદે ચાર વ્યક્તિનો ભોગ લીધો છે.

ગુજરાતમાં હોળીના ટાણે જ કમોસમી વરસાદનો માહોલ સર્જાયો હતો. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો . ઉતર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. પાટણ, શંખેશ્વર, બનાસકાંઠા, ડીસામાં કરા પડયા હતા. કમોસમી વરસાદને લીધે કેરી, ચીકુ, ઘઉં અને જીરુના પાકને નુકસાન થયું હતુ. વરસાદ સાથે ભારે પવનને લીધે  હિંમતનગરમાં થાંભલો પડતા મહિલા વીજકર્મીનું મોત થયું હતું.  જ્યારે જંબુસરમાં વૃક્ષ પડતા દટાઈ જવાથી માતા અને છ માસની પુત્રીનું મોત થયું હતું તેમજ  ત્રંબામાં વીજળી પડતા ખેડુતનું મોત થયું હતું. રાજયમાં હોળી પ્રગટાવવાના સમય પહેલા જ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા હોળીના આયોજનના રંગમાં ભંગ પડયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં  હજુ બે દિવસ આવી પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચંતિત થઇ રહ્યા છે. આગામી 15મી સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને નવસારીમાં માવઠાથી કેરીના પાક ઉપર માઠી અસર થઇ છે. સુરતમાં બે વર્ષ પછી માર્ચમાં તોફાની વરસાદ ખાબક્તા 8 વૃક્ષ ધારાશાયી થયાં હતા. 60થી 80 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 25 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ અડધો કલાકમાં તબાહી મચાવી દીધી હતી. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પડતાં આંગણામાં બેઠેલી મહિલાનું મોત નીપજયું હતું જયારે બે બાળકોને ઇજા પહોંચી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં સતત બીજા દિવસે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજની સાથે તોફાની પવન ફૂંકાયા બાદ માવઠું વરસ્યું હતુ.