Site icon Revoi.in

વેરાવળમાં અપડાઉન કરતા વિદ્યાર્થીએ એસટી બસના પ્રશ્ને હોબાળો મચાવ્યો,

Social Share

સોમનાથઃ વેરાવળ સોમનાથ પંથકમાં એસટી બસના અનિયમિત રૂટો અને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ સ્ટોપો ઉપર બસ ઊભી ન રહેતી હોવાને કારણે ભણવા માટે ગામડાંઓથી વેરાવળ આવતા અને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તેથી વેરાવળ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને એસટી બસોને ડેપોની પ્રવેશતી અટકાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્ટાફએ દોડી જઈ મધ્યસ્થી કરતા સ્થળ ઉપર આવેલા એસટીના અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ હૈયાવરાળ ઠાલવીને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના ગામડાંઓમાં એસટી બસની અનિયમિતતાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. અને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ મળતી ન હોવાથી તેમજ અમુક સ્થળોએ બસ સ્ટોપ ન કરતી હોવાથી મુશ્કેલી સાથે હેરાનગતિ સહન કરવી પડી રહી હતી. જેથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વેરાવળ બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને બસ પ્રવેશવાના ગેઈટ પાસે હોબાળો મચાવીને બહારથી આવતી બસોને અંદર પ્રવેશતી અટકાવી હતી. આ તકે વિદ્યાર્થીઓએ એસટી તંત્ર હાય હાયના સૂત્રોચ્ચાર પોકારી રોષ પ્રદર્શિત કર્યો હતો. બપોરના સમયે એકાએક વિફરેલા વિદ્યાર્થીઓના હોબળાના કારણે એસટી બસ સ્ટેશન આસપાસના મુખ્ય માર્ગે ટ્રાફીકજામ થઈ ગયો હતો. જેને લઈ પોલીસ સ્ટાફ ટ્રાફીક બ્રિગેડના જવાનો સાથે દોડી આવી પરિસ્થિતિ થાળે પાડવા સમજાવટ કરી હતી. જો કે ત્યારબાદ એસટીના અધિકારીઓ સ્થળ પર આવતા પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓએ સમસ્યાઓની ફરીયાદરૂપી વણઝાર વરસાવી હતી. આ તમામનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી હતી. જો હવે પણ એસટી બસોની અનિયમિતતા અને સ્ટોપના પ્રશ્નો યથાવત રહેશે. તો વિદ્યાર્થીઓને નાછૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે એસટીના અધિકારીઓએ ઘટતી કાર્યવાહી કરવા અંગે સમજાવટ કરી મામલો થાળે પાડતા વિદ્યાર્થીઓ શાંત પડ્યા હતા.

આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વેરાવળથી 12 કિમી દુર આવેલા કિડીવાવ શૈક્ષણિક સંકુલમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે નિયમિત જાય છે અને ત્યાં સ્ટોપ હોવા છતાં એસટીના ડ્રાઇવરો મનસ્વી રીતે ત્યાં બસો રોકતા ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી અને હેરાનગતીનો સામનો કરવો પડવાની સાથે અભ્યાસ બગડવાની અને આર્થિક માર પણ પડે છે. જે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પરવડે તેમ ન હોવાથી આ બાબતે ઘટતુ થવું જોઈએ એવી માગ કરાઈ છે.