નાગપુર, 5 ડિસેમ્બર, 2025ઃ Use of loudspeakers not necessary for Namaz બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે તાજેતરમાં એક મસ્જિદ વતી કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા ઠરાવવામાં આવ્યું હતું કે, લાઉડસ્પીકરનો ઉપયોગ એ ધર્મનો અનિવાર્ય ભાગ નથી.
આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા હાઈકોર્ટે કહ્યું કે, રોજેરોજ ઊંચા અવાજે લાઉડસ્પીકર વગાડીને બીજાને ખલેલ પહોંચાડી શકાય નહીં.
મસ્જિદ ઉપર ફરીથી લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી આપવાની દાદ માગતી મસ્જિદ ગોસિયા દ્વારા કરવામાં આવેલી અપીલ ફગાવી દેતા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું કે, અરજદાર એવો કોઈ પુરાવો રજૂ કરી શક્યા નથી જેનાથી સાબિત થાય કે નમાઝ સમયે લાઉડસ્પીકરનો ઉપયોગ આવશ્યક હોય.
હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતે આ અંગેના ચુકાદામાં નિરીક્ષણ કર્યું હતું કે, કોઈ ધાર્મિક પ્રાર્થના સમયે મોટા અવાજે વાગતા લાઉડસ્પીકરથી અન્ય લોકોની શાંતિ ખોરવાય એવું કોઈ ધર્મ ઈચ્છે નહીં. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, નાગરિકો, ખાસ કરીને નાની ઉંમરનાં બાળકો તથા ઉંમર લાયક લોકો અને બીમાર વ્યક્તિઓ ઘોંઘાટ મુક્ત વાતાવરણને હકદાર છે.
આ કેસમાં 16 ઓક્ટોબરના વચગાળાના આદેશ સામે અપીલ થઈ હતી. જેમાં કોર્ટે અરજદારને એ પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું જેમાં નમાઝ સમયે લાઉડસ્પીકર આવશ્યક હોવાની વાત કહેવામાં આવી હોય. કોર્ટે કહ્યું કે, અરજદાર આવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, અરજદાર લાઉડસ્પીકરો લગાવવાની પ્રક્રિયાને અધિકાર તરીકે રજૂ કરી ન શકે.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ તેમના ચુકાદામાં નોંધ્યું કે, સુપ્રીમ કોર્ટે એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, જે રીતે અભિવ્યક્તિનો અધિકાર છે એવી જ રીતે સાંભળવાનો અથવા સાંભળવાનો ઇનકાર કરવાનો પણ અધિકાર છે જ. કોઈને સાંભળવા માટે ફરજ ન પાડી શકાય. કોઈ એવો દાવો કરી ન શકે કે તેને ઘોંઘાટ કરવાનો અધિકાર છે જે બીજા લોકોનાં મન ઉપર અસર કરે.

