Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનારા પિતાને કોર્ટે ફરમાવી મોતની સજા

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં સગીર દીકરીને ધમકી આપીને દુષ્કર્મ કરનારા પિતાને પોક્સો કોર્ટે ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કોર્ટે માત્ર 3 મહિનામાં જ સુનાવણી પૂર્ણ કરીને સજાનો હુકમ કર્યો છે. આ બનાવમાં આરોપીની પત્નીએ જ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો ભાઈ પણ આ કેસમાં સાક્ષી હતી. આરોપીને પોક્સો કોર્ટના જજ નિતિન પાંડેયએ સજાનો આદેશ કર્યો હતો.

સમગ્ર કેસ સુજોલી પોલીસ સ્ટેશનનો છે. જ્યાં 40 વર્ષના પિતા પોતાની સગીર દીકરીને ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં સગીર દીકરીના તેને નિકાહ પણ કરાવી દીધા હતા. દીકરી સાથે દુષ્કર્મની જાણ થતા તેની માતાએ જ પોતાના પતિ સામે ગત 25મી ઓગસ્ટના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. મેડિકલ ટેસ્ટમાં પણ દુષ્કર્મનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટે કેસની સુનાવણી બાદ આરોપીને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. તેમજ રૂ. 51 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે સાક્ષીઓની તપાસ કરીને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. તેમજ આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી આકરી સજા કરવાની રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે, પોક્સો કોર્ટના જજ નિતિન પાંડેયએ અગાઉ બે કેસમાં આરોપીઓને ફાંસીની સજા આપી હતી. આ ત્રીજો કેસ છે જેમાં આરોપીને મોતની સજા ફરમાવી છે.