Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ ગંગા નદીમાં વહેતા લાકડાના બોક્સમાંથી મળી નવજાત બાળકી

Social Share

લખનૌઃ કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકોએ મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહની અંતિમવિધી કરવાના બદલે ગંગા નદીમાં વહાવી દીધા હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જેથી તંત્ર વધારે સાબદુ બન્યું હતું. દરમિયાન ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીમાં વહેતા એક લાકડાના બોક્સમાં 21 દિવસની માસૂમ બાળકી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બોક્સમાંથી બાળકીની જન્મકુંડળી અને દેવી-દેવતાના ફોટા મળી આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાજીપુરના સદર કોતવાલી વિસ્તારમાં દદરી ઘાટના કિનારે એક માસૂમ બાળકી બિનવારસી સ્થિતિમાં ગંગામાં વહેતા લાકડાના બોક્સમાં મળી હતી.દદરી ઘાટ પર ગંગા કિનારે એક લાકડાના બોક્સમાં એક નાવિકને કોઈ બાળકીના રોવાનો અવાજ સંભળાયો હતો. જેથી નાવિકે પાસે જઈને જોયુ તો લાકડીના બોક્સની અંદરથી કોઈ બાળકીના રોવાનો અવાજ આવી રહ્યો હતો. બીજી તરફ ઘાટ પર હાજર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા. લોકોએ બોક્સને અંદર જોતા તેઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમાં એક માસૂમ બાળકી હતી. જન્મકુંડળીમાં બાળકીનું નામ ગંગા લખ્યું હતું. નાવિક બાળકીને પોતાના ઘરે ગઈ ગયો હોવાનું જાણવા મળે છે.

દરમિયાન સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેથી પોલીસની ટીમ નાવિકના ઘરે પહોંચી અને બાળકીને આશા જ્યોતિ કેન્દ્ર લઈ ગઈ હતી. જ્યાં માસૂમનું પાલન પોષણ કરવામાં આવી રહ્યુ છે. માસૂમ બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું મનાઈ રહ્યુ છે. પોલીસે બાળકીના માતા-પિતાની પણ શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.