Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર બેગમાં બોમ્બ લઈને જતી વખતે પકડાયો

Social Share

લખનૌઃ કુખ્યાત અતિક અહેમદનો સાગરિત ગુડ્ડુ મુસ્લિમના સાવકા પુત્રની પોલીસે ખુલદાબાદ પોલીસે ઘનશ્યામ નગર રેલવે કોલોની નજીકથી બોમ્બની સાથે ઝડપી લીધો હતો. ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર પણ પિતાની જેમ બોમ્બ બનાવતો હતો અને પોતાની સાથે બેગમાં લઈને જાહેરમાં ફરતો હોવાનું જાણવા મળે છે. ખુલદાબાદ પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર પાંચ લાખનું ઈનામ ધરાવનાર ગુડ્ડુ મુસ્લિમે 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા વખતે બોમ્બ વિસ્ફોટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. ગુડ્ડુ બાળપણમાં શિવકુટીમાં પોતાનું જૂનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો. વર્ષો પહેલા તેણે ચાંદની સાથે ચકિયામાં લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાંદનીને તેના પહેલા પતિથી બે બાળકો હતા. તેણે તેના પહેલા પતિને છોડીને ગુડ્ડુ મુસ્લિમ સાથે લગ્ન કર્યા. બાદમાં તે તેના ચાર બાળકો સાથે રહેતો હતો. તેણે ત્યાં માંસની દુકાન ખોલી હતી.

ઉમેશ પાલ મર્ડર કેસ પછી જ્યારે પોલીસે દરોડા પાડવાનું શરૂ કર્યું ત્યારે ચાંદનીએ કહ્યું કે, તેની પાસે કોઈ માહિતી નથી. તે ઘર છોડીને અલગ થઈ ગઈ હતી. પરંતુ તેનો પુત્ર આબિદ તેના સાવકા પિતા ગુડ્ડુ મુસ્લિમના પગલે ચાલતો હતો.પોલીસ રેકોર્ડ મુજબ 17 જૂને ખુલદાબાદના ઈન્સ્પેક્ટર અનુપમ શર્મા અને કોન્સ્ટેબલ રવિએ ઘનશ્યામ નગર રેલવે કોલોની નજીકથી આબિદની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ હત્યા કેસમાં અગાઉ અતિક અહેમદ અને તેના ભાઈ સહિતના આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ગુડ્ડુ મુસ્લિમ હજુ ફરાર છે. અતિક અહેમદ અને તેના ભાઈની સરાજાહેર થયેલી હત્યામાં ગુડ્ડુ મુસ્લિનની પણ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે.