નવી દિલ્હી, 7 મે 2026: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થયાને આજે 19 દિવસ પૂર્ણ થયા છે. ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં ઉમટી રહેલા ભક્તોને કારણે ચારધામમાં અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓનો આંકડો 7 લાખ 72 હજારને વટાવી ગયો છે.
કેદારનાથમાં સૌથી વધુ અંદાજે 3.45 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. બદ્રીનાથમાં અંદાજે 1.85 લાખ ભક્તોએ શીશ ઝુકાવ્યું છે. યમુનોત્રીમાં અંદાજે 1.16 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જ્યારે ગંગોત્રીમાં 1.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી. શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ હિમાલયની ભૌગોલિક સ્થિતિને કારણે આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે પડકારજનક પણ બની રહી છે.
19 એપ્રિલથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર 29 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે.હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાને અત્યંત પવિત્ર અને મોક્ષદાયી માનવામાં આવે છે. આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા લોકપ્રિય બનાવવામાં આવેલી આ યાત્રા પરંપરાગત રીતે પશ્ચિમથી પૂર્વ તરફ કરવામાં આવે છે, જેની શરૂઆત યમુનોત્રીથી થાય છે અને ત્યારબાદ ગંગોત્રી, કેદારનાથ અને અંતે બદ્રીનાથના દર્શન સાથે પૂર્ણ થાય છે.

