Site icon Revoi.in

ઉત્તરાખંડ:જમરાણી ડેમ પ્રોજેકટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર વિભાગનાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના-ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (પીએમકેએસવાય-એઆઇબીપી) હેઠળ ઉત્તરાખંડનાં જમરાણી ડેમ મલ્ટિપર્પઝ પ્રોજેક્ટને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.

સીસીઈએએ ઉત્તરાખંડને માર્ચ, 2028 સુધીમાં રૂ. 2,584.10 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રૂ. 1,557.18 કરોડનાં કેન્દ્રીય ટેકાને મંજૂરી આપી છે.

આ પરિયોજનામાં ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં રામ ગંગા નદીની સહાયક નદી ગોલા નદી પર જમરાણી ગામ નજીક બંધનું નિર્માણ કરવાની કલ્પના કરવામાં આવી છે. આ બંધ તેની 40.5 કિ.મી.ની લંબાઈની કેનાલ સિસ્ટમ અને 244 કિ.મી.ની લાંબી કેનાલ સિસ્ટમ દ્વારા હાલના ગોલા બેરેજમાં પ્રવાહ આપશે, જે સિસ્ટમ 1981માં પૂર્ણ થઈ હતી.

આ પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડના નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓ તથા ઉત્તર પ્રદેશના રામપુર અને બરેલી જિલ્લાઓમાં 57,065 હેક્ટર (ઉત્તરાખંડમાં 9,458 હેક્ટર અને ઉત્તર પ્રદેશમાં 47,607 હેક્ટર જમીન)ની વધારાની સિંચાઈની કલ્પના કરવામાં આવી છે. બે નવી ફીડર નહેરોના નિર્માણ ઉપરાંત હાલની 207 કિ.મી.ની કેનાલોનું નવીનીકરણ કરવામાં આવનાર છે અને 278  કિ.મી.ની પાકી ફિલ્ડ ચેનલો પણ આ પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત આ પરિયોજનામાં 14 મેગાવોટ જળ વિદ્યુત ઉત્પાદનની સાથે-સાથે હલ્દવાની અને તેની આસપાસના વિસ્તારોમાં 42.70 મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) પીવાના પાણીની વ્યવસ્થાની પણ પરિકલ્પના કરવામાં આવી છે, જેનાથી 10.65 લાખથી વધુ વસ્તીને લાભ થશે.

આ પરિયોજનાના સિંચાઈના લાભનો નોંધપાત્ર હિસ્સો પડોશી રાજ્ય ઉત્તરપ્રદેશને મળશે અને વર્ષ 2017માં હસ્તાક્ષર થયેલા સમજૂતીકરાર (એમઓયુ) મુજબ બંને રાજ્યો વચ્ચે ખર્ચ/લાભની વહેંચણી કરવામાં આવશે. જો કે, પીવાના પાણી અને વીજળીનો લાભ સંપૂર્ણપણે ઉત્તરાખંડને મળશે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) વર્ષ 2015-16 દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદેશ્ય વર્ષ 2015-16 દરમિયાન ખેતરમાં પાણીની ભૌતિક પહોંચ વધારવાનો અને ખાતરીપૂર્વક સિંચાઈ હેઠળ ખેતીલાયક વિસ્તાર, ખેતરમાં પાણીના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરવાનો, જળ સંરક્ષણની સ્થાયી પદ્ધતિઓ પ્રસ્તુત કરવાનો છે. ભારત સરકારે વર્ષ 2021-26 દરમિયાન પીએમકેએસવાયનાં અમલીકરણને મંજૂરી આપી છે, જેમાં કુલ રૂ. 93,068.56 કરોડનો ખર્ચ (રૂ. 37,454 કરોડની કેન્દ્રીય સહાય) સામેલ છે. પીએમકેએસવાયનો ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (એઆઈબીપી) ઘટક મુખ્ય અને મધ્યમ સિંચાઈ યોજનાઓ મારફતે સિંચાઈ ક્ષમતાનું સર્જન કરવા માટે છે. અત્યાર સુધીમાં પીએમકેએસવાય-એઆઈબીપી હેઠળ 53 પરિયોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને 25.14 લાખ હેક્ટરમાં સિંચાઈની વધારાની ક્ષમતા ઊભી કરવામાં આવી છે. વર્ષ 2021-22થી અત્યાર સુધીમાં પીએમકેએસવાય 2.0ના એઆઇબીપી ઘટક પછી છ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમરાણી ડેમ મલ્ટિપર્પઝ પ્રોજેક્ટ આ યાદીમાં સામેલ થનારો સાતમો પ્રોજેક્ટ છે.