Site icon Revoi.in

અમદાવાદમાં વેપારીઓ અને ફેરિયાઓને વેક્સિન આપવાનું અભિયાન

Social Share

અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ધીરે ધીરે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ વેક્સિનેશન પર વધુ ભાર મુકવામા આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાના- મોટા વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આજે શહેરના કાલુપુરના તમામના માર્કેટ અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની સેકટર 1 જેસીપી આર.વી અસારીએ શરૂઆત કરાવી છે. કાલુપુરના વેપારીઓ માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજે સવારથી કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા

સેકટર 1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હવે નિયંત્રણો ઓછા થયા છે. વેપારીઓ હવે સુપર સ્પ્રેડર ન બને તેને લઈ વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે. શહેર પોલીસ અને AMC દ્વારા સાથે મળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. જે નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમની પોલીસ દ્વારા વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. બે ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ કરશે અને જો કદાચ ન લીધા હોય તો તેમને વેપાર ન કરવા દેવાય તેવું પણ થઈ શકે છે જેથી તમામ વેપારીઓએ વેક્સિન લેવી જોઈએ. આજે 800 જેટલા વેપારીઓને વેક્સિન આપવામાં આવી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે 45 વર્ષથી ઉપરના મસ્કતી માર્કેટ, પાંચકુવા કાપડ માર્કેટ, રતનપોળ માર્કેટ તેમજ અન્ય બજારના વેપારીઓ માટે કાલુપુર, સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પમાં સેક્ટર-1 જેસીપી આર.વી અસારી, ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મહંત અને જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.