Site icon Revoi.in

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ગોળી મારીને હત્યા, આરોપીઓ નાસી ગયા

Social Share

વલસાડઃ જિલ્લામાં ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. વાપીના ભાજપના ઉપપ્રમુખ  શૈલેષ પટેલે પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો.શૈલેષ પટેલની હત્યા કર્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શૈલેષ પટેલના પરિવારના સભ્યોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી હતી. અને સરકાર સામે જ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,  ભાજપ શાસિત રાજ્યમાં જો આવી ફાયરિંગ જેવી ઘટના બનતી હોય તો યુપી અને ગુજરાતમાં શું ફર્ક છે. અમારી માંગ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારીએ.

આ બનાવ અંગે મળેલી વિગતો મુજબ વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવામાં આવતા હતા. ત્યારે આજે સવારે સવા સાત વાગ્યાની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરની અંદર ગયાં જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઈક તેમની કાર પાસે આવીને ઊભી રહી ગઈ. આ બાઈક સવાર શખસોએ શૈલેષ પટેલ કઈ સમજે તે પહેલાં તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી. જ્યારે ચારેય શખ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.તેમનાં પત્ની જ્યારે મંદિરેથી દર્શન કરી ગાડી તરફ ગયાં તો ગાડીના દરવાજા પર લોહી જ લોહી હતું. દરવાજો ખોલતાં જ પતિને લોહીલુહાણ હાલમાં જોતા જ પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી. ત્યારબાદ શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે BJPના આગેવાનો અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે.(તસવીર ઘટના સ્થળ છે)