Site icon Revoi.in

ગાંધીનગરના રૂપાલમાં આજે વરદાયિની માતાજીની પલ્લી નીકળશે, દર્શન માટે ભાવિકો ઉમટી પડશે

Social Share

ગાંધીનગરઃ  શહેરની નજીક આવેલા રૂપાલ ગામે વિશ્વ વિખ્યાત વરદાયિની માતાજીના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આજે 23મી ઓક્ટોબરને સોમવારની રાત્રે ભારે શ્રધ્ધા અને આસ્થા સાથે માતાજી પલ્લી મહોત્સવ યોજાશે. પલ્લી માટેનો માતાજીનો રથ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આજે રાત્રે ગામમાં ઘીની નદીઓ વહેશે. માતાજીના દર્શન માટે લાખો ભાવિકો ઉમટી પડશે.

આ અંગે શ્રી વરદાયિની માતાજી મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે,  આજે તા.23મી ઓક્ટોબરને સોમવારે રાત્રે યોજાનારા પલ્લી મહોત્સવમાં અઢારે સમાજના લોકો એક સંપે ભેગા મળી પલ્લી રથ તૈયાર કરી પલ્લી યાત્રા કાઢતા હોય છે. આ એક જ ઉત્સવ એવો છે કે જે અત્યંજથી શરૂ થાય છે. અને અત્યંજથી જ પૂર્ણ થાય છે. આ પલ્લી મહોત્સવમાં બાર લાખથી પણ વધુ ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે. વરદાયિની માતાજીના મંદિરનો વહીવટ ગુજરાત સરકાર દ્વારા ચાલે છે. જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ,સુવિધા જઈવાઈ રહે તે માટે જિલ્લાના વહીવટી તંત્રએ તૈયારીઓ  પૂર્ણ કરી દીધી છે. આરોગ્ય વિભાગે દવાઓ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિશેષ વ્યવસ્થા ઊભી કરી દીધી છે. આરોગ્ય અંગેની જાણકારી મળી રહે તે માટે પ્રદર્શનનું આયોજન કરાયુ છે.  તેમજ તંત્ર દ્વારા પીવાના પાણીને કલોરીનેશન કરવાની સૂચનાઓ દીધી છે. ગામની દરેક જગ્યાએ તથા જાહેર રસ્તાઓની સાફ-સફાઈ કરીને  ડી.ડી.ટી. બ્લીચીંગ પાઉડરનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત દર્શનાર્થીઓના આરોગ્ય માટે 5 મેડીકલ ટીમો તૈયાર કરવામાં આવી છે તથા એમ્બ્યુલન્સ – 108 ની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. મેળામાં વપરાનાર ખાદ્ધ પદાથોની ચકાસણીની વ્યવસ્થા ગોઠવમાં આવી છે. ઉપરાંત પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રૂપાલ ગામે આજે પલ્લી દરમિયાન આગ, અકસ્માત જેવા બનાવો માટે ફાયર બ્રીગેડ તૈયાર રહેશે તથા દર્શનાર્થીઓ સગવડ માટે રૂપાલ ગામે ટેમ્પરી 3 બસ ડેપો તૈયાર કરી દેવાયા છે. જેના દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.  મેળામાં આવનાર દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસને ટ્રાફીક નું નિયમન કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આજે સોમવારે નોમની રાત્રે ગામમાં ઘીની નદીઓ વહેતી થશે.

રૂપાલમાં નીકળતી પલ્લી અંગે એવી લોકવાયકા છે કે વનવાસ દરમિયાન 12મું વર્ષ પુરૂ થવામા થોડા દિવસો બાકી હતા, ત્યારે પાંડવો ધૌમ્ય ઋષિના આદેશથી દધિચી ઋષિના આશ્રમથી 6 કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બીરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં અને વિરાટનગર (ધોળકા) જવાનો આદેશ કર્યો હતો. જ્યાં તમને કોઇ ઓળખી નહીં શકે.  મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે. તેવા આશિર્વાદ આપ્યા હતા. તે પછી યુધ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-9ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતા. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર પાંચ કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ ચાર દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી અને દ્રૌપદીએ બનાવેલુ નૈવેદ્ય માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.

Exit mobile version