Site icon Revoi.in

વાસદ માસૂમ બાળકી હત્યા કેસમાં પોલીસ અથડામણમાં આરોપી ઠાર મરાયો

Social Share

આણંદ, 20 જુલાઈ 2026: આણંદ જિલ્લાના વાસદ ખાતે સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારના પિસ્તોલના એન્કાઉન્ટર બાદ હવે કાયદાકીય અને વૈજ્ઞાનિક તપાસની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કાયદાકીય પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની ખાસ ટીમે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું છે.

સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને તપાસ અર્થે લઈ જઈ રહી હતી ત્યારે તેણે પોલીસ ટીમ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં LCB PSI આઈ.જે. રાણાએ સ્વ-બચાવમાં પિસ્તોલમાંથી કુલ ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી સ્થળ પર જ ઠાર થયો હતો. FSLની વૈજ્ઞાનિક ટીમે ઘટનાસ્થળેથી આ પિસ્તોલમાંથી છૂટેલા તમામ ૬ ખાલી કારતુસ અને અન્ય ભૌતિક સેમ્પલો પુરાવા રૂપે કબ્જે લીધા છે. પંચનામાની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન PSI આઈ.જે. રાણા પોતે પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

બાળકીની નૃશંસ હત્યા અને ત્યારબાદ આરોપીના એન્કાઉન્ટરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણી પોતે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એસપી જસાણીએ સ્થળ પર પહોંચી PSI આઈ.જે. રાણા અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન સમજીને વિગતો મેળવી હતી. પોલીસે કયા સંજોગોમાં ગોળીબાર કરવો પડ્યો તેની સંપૂર્ણ તપાસ કરીને આગળની કાનૂની કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઘટના બાદ વાસદ અને આણંદ પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Exit mobile version