Site icon Revoi.in

વાયબ્રન્ટ ગુજરાત-2024: ચંદીગઢમાં કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો યોજાશે

Social Share

અમદાવાદઃ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વર્ષ 2003માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેની સફળતાના પરિણામે આજે ગુજરાત દેશભરમાં રોકાણ માટેનું ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે. આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાતના સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશભરના રોકાણકારો ગુજરાતમાં વધુ રોકાણ કરે તે હેતુથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં તા. 11અને 12 ઓક્ટોબરના રોજ ગુજરાતનું એક ડેલિગેશન ચંડીગઢના પ્રવાસે છે. જેમાં મંત્રી કુંવરજીભાઇના નેતૃત્વમાં તા. 12 ઓક્ટોબરે ચંદીગઢ ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત-2024’ અંતર્ગત ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શો દરમિયાન વાયબ્રન્ટ ગુજરાતની પ્રમોશનલ ફિલ્મની સાથે SIR ધોલેરા તેમજ ગિફ્ટ સિટી-ગાંધીનગરની વિવિધ ફિલ્મો દર્શાવવામાં આવશે.

આ રોડ શો ઉપરાંત ગુજરાતનું ડેલીગેશન તા. 11 ઓક્ટોબરના રોજ પંજાબના લુધિયાણા ખાતે ગંગા એક્રોવુલ્સ લિ. અને એવોન સાયકલ્સ લિ. કંપનીની મુલાકાત લેશે. જળ સંપત્તિ મંત્રી કંપનીના મુખ્ય અધિકારી-વડાઓ સાથે બેઠક કરીને ‘વાયબ્રન્ટ ગુજરાત- 2024’માં ગુજરાત આવવા આમંત્રણ આપીને રોકાણ માટે પ્રેરિત કરશે. આ ઉપરાંત તા. 12 ઓક્ટોબરે યોજાનારા રોડ શોમાં જળ સંપત્તિ મંત્રી પંજાબના ચંદીગઢ તથા આજુબાજુના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની અગ્રણી 12 જેટલી કંપનીઓ સાથે વન-ટુ-વન બેઠક કરીને ગુજરાતમાં નિવેશ-રોકાણ અંગે ચર્ચા કરશે. ચંદીગઢ ખાતેના ડેલીગેશન સાથે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેક્ટર રૂપવંત સિંહ, જળ સંપતિ વિભાગના ખાસ સચિવ રાબડીયા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા સી.આઇ.આઇ.ના પદાધિકારીઓ પણ સહભાગી થશે.