Site icon Revoi.in

વાઈબ્રન્ટ સમિટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઈમાં રોડ શો યોજી, ઉદ્યોગપતિઓને મળશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ આગામી તા. 10મી જાન્યુઆરી 2022થી યોજાશે. ગાંધીનગર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તમામ તૈયારીઓ પર જીણવટભર્યું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ વધુને વધુ રાકાણો આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશોમાં પણ અધિકારીઓ દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યા છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ગુરુવારે પ્રથમ રોડ શો યોજીને ઉત્સવની પૂર્વ તૈયારીનો આરંભ કરી દીધો હતો. હવે બીજો રોડ શો 2 ડિસેમ્બરના દિવસે મુંબઇમાં યોજવામાં આવશે. સરકાર દ્વારા કુલ છ રોડ શો વિવિધ રાજ્યોમાં યોજવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં વધુ રોકાણો આવે તે માટે પ્રથમ રોડ શો દિલ્હીમાં ગુરુવારે સંપન્ન થયો. એમાં 9 જેટલા કોર્પોરેટ ગૃહો સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન ટુ વન બેઠકો યોજી હતી. એમાં મારુતિ સુઝૂકી, અવાડા એનર્જી, ઓયો હોટેલ્સ, પીઆઇ ઇન્ડસ્ટ્રી, જેસીબી, અર્બન કંપની તથા ડીસીએમ શ્રીરામનો સમાવેશ થાય છે. હવે મુંબઇમાં યોજાનારા રોડ શોમાં પણ વિવિધ ઉદ્યોગકારોને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મળશે. મુંબઇ પછી લખનઊ, ચેન્નઇ, બેંગલોર અને હૈદરાબાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં 15થી 20 જેટલા રાષ્ટ્રો ડિપ્લોમેટિક ચેનલ વડે જોડાશે.  અને એમાંથી મોટા ભાગના દેશોની સંમતિ આવી ગઇ છે. પાર્ટનર બનનારા દેશોની યાદી પણ પાછલી સમિટ કરતા લાંબી થવાની શક્યતા છે. 2019માં કુલ 16 જેટલા દેશો પાર્ટનર તરીકે જોડાયા હતા. અમેરિકા અને યુકે જેવા દેશોનો એમાં સમાવેશ થતો નથી. અમેરિકા ફક્ત કેન્દ્ર સરકાર સાથે જોડાવા ઇચ્છે છે જ્યારે યુકેને પાછલી સમિટથી ખાસ વાણિજ્યિક ફાયદો નહીં થયો હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે.
મુખ્ય મંત્રી પટેલ  સમિટ માટે દુબઇ, અબુધાબી અને અન્ય મધ્યપૂર્વના દેશોમાં પણ 8 અને 9 ડિસેમ્બરે જવાના છે. ત્યાં પણ મહત્ત્વના બિઝનેસ હાઉસીસ સાથે ચર્ચા કરશે. એક ટીમ રોડ શો માટે જર્મની અને નેધરલૅન્ડ ઉપરાંત ફ્રાન્સ અને યુકે ગઇ છે.