Site icon Revoi.in

વિયેતનામમાં પાકિસ્તાનના રાજદૂતનો વિચિત્ર દાવો, તક્ષશિલા વિશ્વવિદ્યાલયને ગણાવ્યું પ્રાચિન પાકિસ્તાનનો હિસ્સો

Social Share

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનના મંત્રીઓ અને અધિકારીઓ અવાર-નવાર પોતાની હરકતોને કારણે મજાકનું કેન્દ્ર બને છે. દરમિયાન વિયેતનામમાં પાકિસ્તાનના રાજદૂત કમર અબ્બાસ ખોકરે પ્રાચીન ભારતની ઓળખ ગણાતા તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પ્રાચીન પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે. એટલું જ નહીં તેમણે દુનિયાના પ્રથમ ભાષાવિદ પાણીની અને ચાણક્યને પ્રાચીન પાકિસ્તાનના દીકરા ગણાવ્યાં છે. પાકિસ્તાનના રાજદૂત ટ્વીટ મારફતે આ ચોંકાવનારા દાવા કર્યાં હતા. બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનના આ રાજદૂતને લોકોએ આડેહાથ લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિયેતનામમાં પાકિસ્તાનના રાજદૂત કમર અબ્બાસ ખોકરએ પ્રાચીન ભારતની શાન ગણાતા તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પ્રાચીન પાકિસ્તાનનો ભાગ ગણાવીને વિવાદ ઉભો કર્યો છે. પાકિસ્તાનના રાજદુતના આવા વિવાદિત ટ્વિટને બધાએ વખોડ્યો છે. જો કે, જે એકાઉન્ટ પરથી ટ્વીટ કરી છે, તે વેરિફાઇડ નથી પરંતુ આ ટ્વિટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે. તેમણે ટ્વીટ કરી છે કે, આ યુનિવર્સિટી પ્રાચીન પાકિસ્તાનમા આજથી 2700 વર્ષ પહેલા ઇસ્લામાબાદની પાસે હાજર હતી. આ વિશ્વવિદ્યાલયમા દુનિયાના 16 દેશોના વિદ્યાર્થી અલગ-અલગ વિષયોમાં ઉચ્ચશિક્ષા પ્રાપ્ત કરતા હતા અને તેમને પાણીની જેવા વિદ્વાન ભણાવતા હતા.

પાકિસ્તાનના રાજદૂતે બીજી ટ્વીટમાં દાવો કર્યો છે કે, દુનિયાના પહેલા ભાષાવિદ્ પાણિની અને દુનિયાભરમા બહુચર્ચિત રાજનીતિક દાર્શનિક ચાણક્ય બંન્ને પ્રાચીન પાકિસ્તાનના દિકરા છે. તેમણે આ સિવાય પોતાના આ ખોટા દાવાને સાબિત કરવા બે વિડિયો પણ શેર કર્યા છે. આ ટ્વિટ વાયરલ થતા રાજદુતના આ ખોટા દાવાને લઇને લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે. એક યૂઝર્સે તો લખ્યુ કે, 2700 વર્ષ પહેલા ના તો કોઇ મુસ્લિમ હતુ કે ના તો કોઇ પાકિસ્તાની, પ્રાચીન પાકિસ્તાનની વાત તો જવા જ દો. તક્ષશિલા ઉર્દુ શબ્દ નથી, તેમજ પાણીની બ્રાહ્મણ હતા. આ સમગ્ર ભાગ ભારતીય ઉપમહાદ્વિપની અંદર હતો. અન્ય યૂઝર્સે જવાબ આપ્યો કે, 14-15 ઓગસ્ટ, 1947 ના પહેલા કોઇ પાકિસ્તાન હતુ જ નહીં, 2700 વર્ષ પહેલાની વાત રહેવા દો.