Site icon Revoi.in

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ રહેલા હિંસા સહન નહીં કરાયઃ વ્હાઈટ હાઉસ

Social Share

નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીઓ ઉપર તાજેતરમાં થયેલા હુમલા મામલે વ્હાઈટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, વંશ, લિંગ તથા અન્ય કારણોને આગળ ધરીને કરવામાં આવતી હિંસા બિલકુલ બર્દાશ્ત નહીં કરવામાં આવે, અમેરિકા તેને સ્વિકારતું નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જ્હોન કિબ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનું પ્રશાસન આ  પ્રકારના હુમલા રોકવા માટે પ્રયાસો કરી રહ્યું છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલા અને બાળકોને અમેરિકા મોકલવા મામલે માતા-પિતાની ચિંતાને લઈને કરવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ચોક્કસ રીતે વંશ, લિંગ અને ધર્મ સહિતના અન્ય કારણોસર કરવામાં આવતી હિંસા સહન કરી લેવામાં નહીં આવે. તેમજ આવા બનાવમાં જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

વ્હાઈટ હાઉસનું આ નિવેદન અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકનો ઉપર વધી રહેલા હુમલાને વચ્ચે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, 7મી ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટનમાં એક હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા 41 વર્ષ્યી ભારતીય મૂળના વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ વર્જીનીયાના વિવેક તનેજા તરીકે થઈ હતી. પોલીસ રિપોર્ટ અનુસાર આ ઘટના 2 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના સમય અનુસાર લગભગ 2 કલાકે બની હતી. જે બાદ તનેજાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જો કે, ગંભીર ઈજાને કારણે તેમને બચાવી શકાયા ન હતા. પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા માટે તપાસ કરી રહી છે.