Site icon Revoi.in

દરિયામાં ડુબેલી પ્રાચીન દ્વારકાનગરીના દર્શન કર્યા એ મારો દિવ્ય અનુભવ હતોઃ PM મોદી

Social Share

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જામનગરથી દ્વારકા આવી પહોચ્યા હતા. ઓખાથી બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરીને દ્વારકાધીશની પૂજા કરી હતી.ત્યારબાદ બાદ પંચકૂઈ બીચ પાસે મોદીએ ભગવા વસ્ત્રોમાં પહોચ્યા હતા અને કમરે મોરપિચ્છ ખોસીને પાણીમાં ઊતર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તસવીરો ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે. જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી.જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે. વડાપ્રધાન મોદીએ સમુદ્રની અંદર જઈને અવશેષોમાં મોરપિચ્છ અર્પણ કર્યું. અને અવશેષોને સ્પર્શ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પંચકૂઈ પાસે ડાઈવિંગ કરીને સોનાની દ્વારકા નગરી જોવાનો કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત નહોતો, પછીથી નક્કી થયું હતું. વડાપ્રધાન દ્વારકાધીશ મંદિરે પૂજા અર્ચના કરીને સુદામા સેતુ પરથી પસાર થયા હતા અને પંચકૂઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના પછી લાંબા સમયથી સુદામા સેતુ બંધ રખાયો હતો પણ વડાપ્રધાન પસાર થવાના હોવાથી તે ખોલવામાં આવ્યો હતો.

દ્વારકાની ભૂમિ પર ભગવાન દ્વારકાધીશે 100 વર્ષથી વધારે સમય સુધી રાજ કર્યું છે. ભગવાન દ્વારકાધીશે દેહત્યાગ કર્યા બાદ સમુદ્ર નારાયણે પોતાના કરાર મુજબ આખી દ્વારકા પોતાનામાં સમાવી લીધી હતી અને દ્વારકા સમુદ્રમાં ગરક થઇ ગઇ હતી, પરંતુ જ્યાં ભગવાને રાજ કર્યું હતું એ રાજભૂમિને બાદ કરીને આખી દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઇ હતી. ત્યાર બાદ ભગવાનના પ્રપૌત્ર શ્રી વર્જનાભજીએ ખુદ ભગવાન વિશ્વકર્મા પાસે અત્યારની આ તપોભૂમિ દ્વારકાનું પ્રાગટ્ય કરાવ્યું હતું.