Site icon Revoi.in

અમદાવાદમાં ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા યોજાઈ

Social Share

અમદાવાદઃ 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સરદાર બાગ ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનો સાથે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને સંચાર ક્રાંતિના પાયાથી સમગ્ર વિશ્વ સાથે ભારતના જન જનને જોડવાનો શ્રેય જેના શીરે જાય છે એવા રાજીવજી એ આધુનિક ભારતના વિચારનો પાયો હિન્દુસ્તાનમાં નાખ્યો અને તે સંચાર ક્રાંતિથી આજ ભારતમાં એક ગામડામાં ગરીબના ઝુપડીએ જન્મતુ બાળક મુઠ્ઠીમાં મોબાઈલથી સમગ્ર વિશ્વની સફર કરવા સફળ બન્યો છે. રાજીવજીએ પણ દેશનો 50 ટકા હિસ્સો મહિલાઓ છે તેને રાજનીતિની અંદર ભાગીદાર બનાવવા માટે અને યુવાનાનો સામેલ કરવા માટે બંધારણમાં સુધારા કર્યા અને દેશને 21મી સદીમાં લઈ ગયા. અનેક દેશના નાગરિકોના દિલમાં તેમણે રાજ કર્યું. 18 વર્ષના યુવાનને મતાધિકારથી ભારતની લોકશાહીને યુવાન બનાવવાનો શ્રેય રાજીવજીને જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સત્તાના વિકેન્દ્રીકરણથી પંચાયતના પાયા મજબુત કરી ગામડાના માણસના હાથમાં ગામની સત્તા આપવાનું શ્રેય પણ રાજીવજીને જાય છે. 1987માં રાજીવ ગાંધીની દુરન્દેશી નીતિઓને લીધે ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી,  તેલબીયા,  શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશનના પાયાગત, માળખાકીય સગવડ – સુવિધાઓ ઉભી કરી અને આધુનિક ભારતના નિર્માણ તરફ શ્રેષ્ઠ પગલા ભર્યા. જેના ફળ સ્વરૂપ આજે દેશના યુવાઓના હાથમાં મોબાઈલ અને મોબાઈલમાં ઈન્ટરનેટ છે, જેના થકી વિશ્વ સાથે સીધો સંવાદ સ્થાપી શકાયો છે.  ભારત એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છે.  રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા. ભારતરત્ન, યુવા વડાપ્રધાન રાજીવજીની જન્મજયંતી નિમિતે દેશના કરોડો યુવાનો- ભારતીયો તેમને શત શત નમન-વંદન કરે છે.

‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ,  જગદીશ ઠાકોર, એ.આઈ.સી.સી.ના મહામંત્રી દિપક બાબરીયા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા રોહન ગુપ્તા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ,  ગ્યાસુદ્દીન શેખ,  લાખાભાઈ ભરવાડ,  વજેસિંહ પણદા,  બાબુભાઈ વાજા,  ભરત મકવાણા, ગુલાબસિંહ રાજપુત, અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતા શેહઝાદખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, પદાધિકારીઓ, ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રામાં જોડાયા હતા.