અંકારા, 11 જૂન 2026: પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓ વધતાં વૈશ્વિક સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તુર્કી (તુર્કિયે)ના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આ અંગે અત્યંત આકરી ચેતવણી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં અને ખાસ કરીને સાયપ્રસ ટાપુની આસપાસ સંઘર્ષની આગ ભડકાવવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે. જો તુર્કી અથવા તુર્કી-સાયપ્રસના નાગરિકોના સાર્વભૌમત્વ અને અધિકારોને નુકસાન પહોંચાડવાનો સહેજ પણ પ્રયાસ થશે, તો તુર્કી તેનો અત્યંત આકરો અને જડબાતોડ જવાબ આપશે.
રાષ્ટ્રપતિ એર્દોગને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને વૈશ્વિક સમુદાયને પોતાની સૈન્ય સજ્જતાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, તુર્કી સરહદ પર થઈ રહેલી દરેક નાની-મોટી હલચલ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને કોઈપણ પ્રકારની સૈન્ય ઉશ્કેરણી સહન કરવામાં આવશે નહીં. પોતાની પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા એર્દોગને ઉમેર્યું કે, “કેટલાક નાના દેશો માત્ર ઇઝરાયેલના હિતોને આગળ વધારવા માટે આખા ક્ષેત્રમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે. આ દેશો હવામાં કિલ્લા બનાવી રહ્યા છે, તેમણે આવા જોખમી પગલાં ભરવાથી બચવું જોઈએ.”
એર્દોગનના આ ગુસ્સા પાછળનું મુખ્ય કારણ ઇઝરાયેલ, ગ્રીસ અને સાયપ્રસ વચ્ચે બની રહેલું નવું સૈન્ય અને ઉર્જા ગઠબંધન છે. તુર્કીનો આરોપ છે કે આ ત્રણેય દેશો ભેગા મળીને ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીના પ્રભાવને મર્યાદિત કરવા અને તેને ચારેય બાજુથી ઘેરવાની વ્યુહરચના બનાવી રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલે ગ્રીસ અને સાયપ્રસ સાથે મળીને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં અંદાજે 2500 સૈનિકોની એક સંયુક્ત ‘રેપિડ-રેસ્પોન્સ મિલિટરી ટાસ્ક ફોર્સ’ બનાવવાનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ઇઝરાયેલી વાયુસેના અને નૌસેના હવે ગ્રીસ અને સાયપ્રસના સૈન્ય મથકોનો ઉપયોગ કરી રહી છે, જેને તુર્કી પોતાની દરિયાઈ સરહદો અને ઉત્તરી સાયપ્રસની ઘેરાબંધી તરીકે જોઈ રહ્યું છે.
-
ઇઝરાયેલ પર આકરા પ્રહારો: સમગ્ર માનવતા માટે ખતરો
ઇઝરાયેલને સીધી ચેતવણી આપતા તુર્કીના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયની ચૂપકીદીને કારણે ઇઝરાયેલની હિંમત વધી ગઈ છે અને તેની વિસ્તારવાદી નીતિઓ પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે મોટો ખતરો બની રહી છે. એર્દોગને આહવાન કર્યું કે ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં લાવવું એ હવે માત્ર થોડા દેશોનો નહીં, પરંતુ સમગ્ર માનવતાનો મુદ્દો બની ગયો છે. લેબેનાન અને સીરિયામાં ઇઝરાયેલની વધી રહેલી સૈન્ય કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે જો આ સ્થિતિ વણસશે તો તેની સીધી અસર તુર્કીની રાષ્ટ્રીય સુરક્ષા પર પડશે.

