Site icon Revoi.in

ગાંધીનગરમાં 44 વર્ષ જુના એસટી ડેપોના છતમાંથી પડતું પાણી, પ્રવાસીઓને મુશ્કેલી

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં 44 વર્ષ પહેલા એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. હાલ રોજબરોજ અનેક પ્રવાસીઓ ગાંધીનગરના એસટી બસ સ્ટેશનથી બહારગામ જતા હોય છે, કે આવતા હોય છે. એસ ટી બસ સ્ટેશન વર્ષો જુનું હોવાથી જર્જરિત બની ગયું છે. એસ ટી ડેપોની છતમાંથી પાણી ટપકતા મુસાફરોની હાલાત કફોડી બની રહી છે. ઉપરાંત સ્ટેન્ડની અમુક સ્ટાઇલ્સ પણ તૂટી જવાથી મુસાફરો પડી જવાના કિસ્સા બની રહ્યા છે. જોકે દિવસની અંદાજે 5000 જેટલા મુસાફરોની અને 1200 જેટલી બસોની અવર જવર છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ જેવી સ્થિતિ બની રહી છે. ત્યારે નવું એસટી બસ સ્ટેશન બનાવવાની માગ ઊઠી છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના અનેક જૂના ડેપોને તોડીને નવીન બસ પોર્ટ બનાવવામાં આવ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરનું એસટી બસ સ્ટેશન જર્જરિત હાલતમાં છે. અન્ય શહેરોની જેમ ગાંધીનગરનું એસ ટી બસ સ્ટેશન ક્યારે બનાવવામાં આવશે તેવી ચર્ચા મુસાફરો તેમજ ડેપોના કર્મચારીઓમાં ઉઠવા પામી છે. ગાંધીનગરના ડેપોનું બિલ્ડીંગ ચાર દાયકા જૂનું હોવાથી હાલમાં દરેક બસ સ્ટેન્ડની છત ઉપરથી પાણી ટપકી રહ્યું છે. જેને પરિણામે ચોમાસામાં પ્રવાસીઓને ઊભા રહેવું કપરૂ બની રહે છે. જોકે જુના ડેપોમાંથી દરરોજની 1200 જેટલી બસોની અવર જવરને પગલે દરરોજના અંદાજે 5000થી વધારે મુસાફરોની ચહલ પહલ રહે છે. આ ઉપરાંત ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની શહેરી વિસ્તારની બસ સર્વિસનું સંચાલન પણ એસ ટી ડેપોમાંથી કરવામાં આવી રહ્યું છે. નગરના ડેપોને મોડેલ તરીકે વિકસાવવા માટે સીસી કેમેરા તેમજ મુસાફરો માટે ટીવીમાં જ સમયપત્રક સહિતની સુવિધા કરવામાં આવી છે. ડેપોમાં અલગ અલગ વિસ્તારમાં જવા માટે અંદાજે બારેક જેટલા સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. તમામ સ્ટેન્ડ ઉપર ટીવી મુકીને કઇ બસ ક્યારે અને કેટલા વાગે જશે તેમજ તેનો રૂટ કયો સહિતની માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે નગરના મોડેલ ડેપોના ચાર દાયકા જુના બિલ્ડીંગની તોડીને નવીન બસ પોર્ટ ક્યારે બનાવાશે તેવી ચર્ચા ડેપોના કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર એસટી બસ સ્ટેશન પર ડ્રાઇવર અને કંડક્ટરોને રાત્રી રોકાણ માટે યોગ્ય સુવિધા જ નથી. ઉપરાંત સેનિટેશન બ્લોક, ડ્રાઇવર અને કંડક્ટરોને પોતાનો સામાન રાખવા માટે અલગ ક્લોક રૂમની સુવિધાઓ નથી. મહિલા કંડક્ટરો માટે અલાયતી કોઇ જ વ્યવસ્થા નથી. મુસાફરો રાત્રી રોકાણ કરી શકે તેવી પણ કોઇ જ પ્રકારની સુવિધાઓ ડેપોમાં નથી. આથી ડેપોના કર્મચારીઓ અને મુસાફરોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. એસ ટી નિગમના કર્મચારીઓની ધિરાણ મંડળી ચલાવવામાં આવી રહી છે. કર્મચારીઓની આ મંડળી માટે ઓફિસ આપવામાં આવી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નગરના ડેપોમાં છાશવારે મુસાફરોના સામાન, મોબાઇલ ફોન, ખિસ્સામાંથી પાકિટ સહિતની ચોરીના બનાવો બની રહ્યા છે. તેમ છતાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પહેરો રહે તે માટે પોલીસ ચોકી બનાવવા માટે કોઇ જ રૂમ પણ નથી.