Site icon Revoi.in

ગીર જંગલ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં પ્રાણી-પક્ષીઓ માટે પાણીના પોઈન્ટ બનાવાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાણીની બુમરાડ સામે આવે છે. બીજી તરફ ઉનાળાની આગ ઓકતી ગરમીમાં મુંગા પશુ અને પ્રાણીઓની હાલત દયનીય બનતી હોય છે. જેથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ તેમના માટે પાણીની વ્યવસ્થા ગોઠવતા હોય છે. એશિયાઈ સિંહોના ઘર ગણાતા ગીર જંગલમાં પ્રાણી-પક્ષીઓને પાણીની સમસ્યા ના નડે તે માટે વનવિબાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાસણ અને સમગ્ર ગીર વિસ્તારમા હાલ ભારે તાપ અને હિટવેવથી ગીર તપી રહ્યું છે. ત્યારે ગીરમાં સિંહ, દીપડા, સાબર, હરણ સહિત હજારો પ્રાણીઓ, પક્ષીઓ અને જીવ જંતુઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. ગીરના નાના વોકળા અને નદી-નાળા સુકાયા છે ત્યારે પ્રાણીઓને બચાવવા વન વિભાગે સાસણ અને ગીરપંથકમા યુદ્ધના ધોરણે પાણીના કૃત્રિમ પોઈટ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ગીરમાં 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવી તેમાં ટેન્કર દ્વારા પાણી ભરવાની શરૂઆત કરવામા આવી છે.

વનવિભાગ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા ટૂંકા ટૂંકા અંતરે વિસ્તાર પ્રમાણે અલગ અલગ જગ્યાએ કુત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કર્યા છે .ક્યાંક કુદરતી રીતે તો ક્યાંક સોલાર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે તો અનેક જગ્યાએ પવન ચક્કી દ્વારા અને જ્યા પવન ચક્કી કે સોલાર નથી ત્યાં ટેન્કરો દ્વારા પાણીના પોઈટ ભરવામાં આવી રહ્યા છે.