Site icon Revoi.in

બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારતના યોગદાનને અમે હંમેશા યાદ રાખીએ છીએઃ શેખ હસિના

Social Share

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હસીનાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.  બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.

આ પહેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન આપણા લોકો માટે ગરીબી દૂર કરવા અને અર્થવ્યવસ્થાના વિકાસ પર છે. મને લાગે છે કે બંને દેશો તમામ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે, જેથી કરીને માત્ર ભારત અને બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં લોકોને સારું જીવન મળી શકે.

રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું, ભારત અમારો મિત્ર છે. હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે મારા માટે ખુશીની વાત હોય છે. આમે અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન ભારતના યોગદાનને હંમેશા યાદ રાખીએ છીએ. અમારા મૈત્રીપૂર્ણ સંબંધો છે, અમે એકબીજાને સહકાર આપીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાની ચાર દિવસીય ભારત મુલાકાતનો આ બીજો દિવસ છે. આજે પીએમ મોદી સિવાય તેઓ ભારત સરકારના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. એવું માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન શેખ હસીના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રને લગતા ઘણા કરારોને અંતિમ સ્વરૂપ આપી શકે છે. ભારત અને બાંગ્લાદેશના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વધારે મજબુત બન્યાં છે. તેમજ કોરોના મહામારી દરમિયાન ભારત સરકારે પડોશી ધર્મનું પાલન કરીને બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને કોવિડની રસી મોકલી આપી હતી.

 

Exit mobile version