કંડારી ગુરુકુલ, 25 મે 2026 – કરજણ, વડોદરાના પવિત્ર પ્રાંગણમાં 23 મે 2026ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગનું જાહેર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. સંઘ શિક્ષા વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં શિસ્ત, સમય પાલન, સ્વદેશી, દેશભક્તિ, સેવા ભાવ જેવા વ્યવહારિક વિષયો તથા શારીરિક કાર્યક્રમો અને બૌદ્ધિક કાર્યક્રમ થકી પ્રશિક્ષણ મેળવ્યા બાદ આજે વાદ્યોના તાલે લયબદ્ધ રીતે દંડ, દંડ યુદ્ધ, યોગાસન, સમતા નિયુદ્ધના પ્રયોગો પ્રદર્શિત કર્યા.
આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉ.ભીખુભાઈ પટેલે (સિનિયર કન્સલ્ટન્ટ, સનશાઇન હોસ્પિટલ) જણાવ્યું હતું કે આવા શિક્ષા વર્ગો દ્વારા સ્વયંસેવકોમાં શિસ્ત, સમર્પણ અને સેવાભાવના સંસ્કારો વિકસે છે. સંઘ દ્વારા ઘડાયેલા સ્વયંસેવકો સમાજ, રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે હંમેશા અગ્રેસર રહે છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશેઃ ડૉ. ભરતભાઈ પટેલ
મુખ્ય વક્તા શ્રી કૃણાલભાઈ રૂપાપરાએ (સહ પ્રાંત પ્રચારક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત) પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે સૌ હિંદુ ભારત માતાના સંતાનો છીએ અને સહોદર હોવાના નાતે સર્વે સમાન છીએ. સમાજમાં કોઈ ઊંચ-નીચનો ભેદભાવ ન હોવો જોઈએ. તેમણે અનેક મહાપુરુષોના ઉદાહરણો આપી સમજાવ્યું હતું કે આપણી પરંપરા અને ધર્મ અંગે ફેલાતી ખોટી ભ્રમણાઓને દૂર કરવા માટે નવી પેઢીને મહાપુરુષોના બલિદાન અને પ્રેરણાદાયી જીવન વિશે માહિતગાર કરવું જરૂરી છે.
આ પણ વાંચોઃ જલગાંવમાં કાર્યકર વિકાસ વર્ગમાં એલપીજીનો વિકલ્પ: સંઘનો અનોખો પ્રયોગ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશને વિકાસના માર્ગે આગળ વધારવા માટે દરેક વ્યક્તિએ પોતાના સ્તરે પ્રયત્ન કરવો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો તથા માતા-ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

