Site icon Revoi.in

ઔષધીય ગુણોથી ભરપુર કાંચનાર પુષ્પોની ચાદર ઓઢીને વસંતને આવકારે છે

Social Share

અમદાવાદઃ શનિવારે મહા સુદ પાંચમના રોજ વસંત પંચમી છે. જ્ઞાન અને ચેતનાની દેવી,બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, એ ત્રિદેવ દ્વારા પૂજિત વીણાવાદીની સરસ્વતીનો એ પ્રાગટ્ય દિવસ છે. વસંત પંચમી થી પુષ્ટિ સંપ્રદાયમાં ૪૦ દિવસના હોળી ખેલ ઉત્સવનો મંગળ પ્રારંભ થાય છે. તો બંગાળમાં આ દિવસ સરસ્વતી વંદના પર્વ તરીકે સાંસ્કૃતિક રીતે ઉજવાય છે.

ઋતુરાજ વસંત સાથે જોડાયેલી છે આ વસંત પંચમી. વસંત આવે એટલે આમ તો સમગ્ર પ્રકૃતિ ખીલી ઊઠે છે. કેસુડા નું નામ તો જાણે વસંતનો પર્યાય બની ગયું છે. જો કે વસંતનો છડીદાર એકલો કેસુડો નથી. વસંતમાં કાંચનાર પુષ્પોની ચાદર ઓઢીને વસંતને આવકારે છે.ફૂલો થી છવાયેલું આ વૃક્ષ પણ જાણે કે વસંતની રમણીયતાનું તેના કોમળ અને મનમોહક પુષ્પો થી કાવ્યગાન કરે છે.

આયુર્વેદની એક ખૂબ જાણીતી ઔષધિ છે કાંચનાર ગુગ્ગળ. મુકુલ વૃક્ષમાં થી મળતા ગુગ્ગળ અને કાંચનાર ના અર્કના સમન્વય થી આ ઔષધ બને છે. ચરક અને સુશ્રુત સંહિતામાં પણ કાંચનાર ના ઔષધીય ગુણોનું વર્ણન છે. એના ફૂલ, પાંદડા, છાલ, થડ, બીજ, બધું જ જુદી જુદી રીતે ઉપયોગી છે. એના પુષ્પોની સુગંધિત પાંદડીઓ નો સજાવટમાં ઉપયોગ થાય છે.અંગ્રેજીમાં તે mountain ebony, butterfly Ash જેવા નામો થી ઓળખાય છે. legume પરિવાર ની આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Bauhinia variegata છે.

તેજસ્વી ગુલાબી અને ચમકતા શ્વેત, એવા બે પ્રકારના રંગ વૈભવ થી અલંકૃત એના પુષ્પોની શોભા વસંતમાં માણવા જેવી છે. કેસુડા પરથી નજર હટાવો તો કાંચનાર, ટિકોમા જેવા પુષ્પ વૃક્ષો આ ઋતુમાં વસંતની મનોહરતા વિખેરતા જોઈ શકાય છે. આ હરિતપર્ણી વૃક્ષ કોઈપણ ઉદ્યાનની શોભા વધારી શકે છે.

કાંચનાર ભારતના વિવિધ પ્રાંતોમાં જોવા મળતું 10 થી 12 મીટરની મધ્યમ ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે જે પ્રાંત પ્રમાણે જુદાં જુદાં નામે ઓળખાય છે. ભારતીય ઉપખંડના દેશો, ચીન, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાં આ વૃક્ષ જોવા મળે છે.

વસંત પંચમી એ રંગ અને ઉર્મિઓના ઉત્સવોનું પ્રવેશદ્વાર છે તો આ કાંચનાર પણ વૈભવી વસંતનું છડીદાર છે. ઊર્મિશીલ કવિ,સાહિત્ય મર્મજ્ઞ ભાગ્યેશ ઝા એ એની મુલવણી ભારતીય સંસ્કૃતિના પ્રેમ પર્વ indian valentine’s day તરીકે કરી છે. કવિ શ્રેષ્ઠ કાલિદાસે ગ્રંથો ભરીને વસંતનો મહિમા કર્યો છે.