Site icon Revoi.in

જાણીતી અભિનેત્રી માલવિકા મોહનન આગામી ફિલ્મમાં સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે

Social Share

ભારતની મોસ્ટ ડિઝાયરેબલ અભિનેત્રી માલવિકા મોહનન, જે અત્યાર સુધી પોતાના શાનદાર અભિનયથી પાન-ઈન્ડિયા સિનેમામાં પોતાની ઓળખ બનાવી રહી છે, તે હવે તેલુગુમાં પદાર્પણ કરવા જઈ રહી છે. અભિનેત્રી આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’માં સુપરસ્ટાર પ્રભાસ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ટૂંક સમયમાં એક રોમેન્ટિક ગીત શૂટ કરશે.

પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, “માલવિકા અને પ્રભાસ ‘ધ રાજા સાહેબ’ માટે એક રોમેન્ટિક ગીત શૂટ કરવા જઈ રહ્યા છે. આ ગીતનું શૂટિંગ યુરોપમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે,” પ્રભાસની ફિલ્મ ‘ધ રાજા સાહેબ’ એક હોરર-કોમેડી ફિલ્મ છે અને તેને વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.

આ ફિલ્મમાં નિધિ અગ્રવાલ પણ બીજી મહિલા લીડ કેરેક્ટર તરીકે જોવા મળશે. માલવિકા વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત વિવિધ પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોમાં મજબૂત અભિનય સાથે કરી હતી. માલવિકાની પહેલી ફિલ્મ ‘પટ્ટમ પોલ’ (2013)થી લઈને ‘ક્રિસ્ટી’ (2023) અને ‘થંગાલન’ (2024) સુધી તેણે અભિનયમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તાજેતરમાં તેણે ‘યુધરા’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે લીડ રોલમાં હતી. ‘ધ રાજા સાહેબ’ ઉપરાંત માલવિકા કાર્તિ સાથે સ્પાય થ્રિલર ‘સરદાર 2’માં પણ જોવા મળશે.

Exit mobile version