Site icon Revoi.in

બંગાળ: આસનસોલમાં પૂર્વ CPM નેતાની ગોળી મારી હત્યા કરાઈ

Social Share

કોલકાતા, 24 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ ગરમાવો હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ આસનસોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કરીમડંગાલ વિસ્તારમાં પૂર્વ CPM નેતા મોહમ્મદ સરફુદ્દીનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

મળતી માહિતી મુજબ, પૂર્વ સીપીએમ નેતા મોહમ્મદ સરફુદ્દીન દરરોજની જેમ આજે વહેલી સવારે આશરે ૫ વાગ્યે પોતાના ઘરેથી નજીકની મસ્જિદમાં નમાજ પઢવા જઈ રહ્યા હતા. આ દરમિયાન મોટરસાઇકલ પર સવાર એક અજ્ઞાત હુમલાખોર તેમને અટકાવ્યાં હતા. તેમજ પિસ્તોલ કાઢીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરી દીધું હતું. આ આખી ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ગોળી વાગતાની સાથે જ સરફુદ્દીન જમીન પર ઢળી પડ્યા હતા. ગંભીર હાલતમાં તેમને આસનસોલ જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મોહમ્મદ સરફુદ્દીન એક સમયે સીપીએમના પ્રભાવશાળી નેતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી તેમણે રાજકારણથી અંતર જાળવી લીધું હતું. તેઓ લોખંડના ગ્રિલ અને સળિયાનો વ્યવસાય કરતા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને હત્યારાને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચોઃ જમ્મુ અને કાશ્મીરમાં બરફવર્ષાથી રસ્તાઓ બંધ, હવાઈ સેવાને અસર

Exit mobile version