Site icon Revoi.in

મમતા બેનર્જીના ગઢમાં કાંકરા ખેરવવા માટે ભાજપે તૈયાર કરી ‘સ્પેશિયલ-7’ ટીમ

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત માટે ભાજપે રણનીતિ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. સાત કેન્દ્રીય નેતાઓને પશ્ચિમ બંગાળ ચૂંટણીની જવાબદારી સોંપી હોવાનું જાણવા મળે છે. આ નેતાઓ પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિને વધારે મજબુત કરવાની કામગીરી કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા સંજીવ બાલિયાન, ગજેન્દ્ર શેખાવત, અર્જુન મુંડા, મનસુખ માંડવીયા, કેશવ મૌર્ય, પ્રધાનસિંહ પટેલ અને નરોત્તમ મિશ્રાની એક ટીમ બનાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. જેથી નેતાઓને લોકસભાની છ-છ બેઠકની જવાબદારી સોંપવામાં આવશે. આ નેતાઓ પોતાની સીટો પર પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરશે. આ તમામ નેતાઓ આવતીકાલે ગુરુવારથી બંગાળ પહોંચવાનું શરૂ કરશે. તેમજ બુથલેવલના કાર્યકરથી લઈને ટોચના નેતાઓ સાથે સંવાદ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા. 19 અને 20 ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન સ્પેશિટલ-7 ટીમ સાથે પણ બેઠક કરશે. તેમજ બંગાળની ચૂંટણીને લઈને રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરશે.

અત્રે ઉલ્લેખયની છે કે, પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના બનાવો બની રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર હુમલો થયો હતો. આ હુમલો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોવાના આક્ષેપ કરાયો હતો. જ્યારે આ હુમલાને મમતા બેનર્જીએ નાટક ગણાવ્યું હતું.