Site icon Revoi.in

કેન્દ્રની વિવિધ યોજનાઓના પેન્ડિંગ ફંડ અંગે PM મોદી સાથે CM મમતા બેનર્જી મુલાકાત કરશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે ઘણી યોજનાઓ માટે પેન્ડિંગ ફંડને લઈને વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ટીએમસી સતત કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. ટીએમસી દ્વારા આ મુદ્દે કેન્દ્ર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્રએ રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની ભંડોળવાળી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. આરોપો બાદ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર અને કેન્દ્ર સરકાર સામ-સામે આવી ગયાં છે. દરમિયાન શનિવારે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, તેઓ રાજ્યને નાણાંકીય લેણાં ચૂકવવા માટે કેન્દ્રની માંગ અંગે ચર્ચા કરવા દિલ્હીની મુલાકાત લેશે. પીએમ મોદી પાસે 18 થી 20 ડિસેમ્બર વચ્ચેનો સમય માંગ્યો છે.

સિલિગુડી નજીક બાગડોગરા એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મેં વડાપ્રધાનને પત્ર લખીને તેમને મળવા માટે સમય માંગ્યો છે. અમને ઘણી કેન્દ્રીય યોજનાઓ માટે પેન્ડિંગ ફંડ મળ્યું નથી. દરેક રાજ્યને તેનો હિસ્સો મળી રહ્યો છે, તો અમને તે કેમ નથી આપવામાં આવી રહ્યો? હું આ મહિને પાર્ટીના કેટલાક સાંસદો સાથે દિલ્હી જઈશ અને રાજ્યના બાકી લેણાં માટે દબાણ કરવા વડાપ્રધાનને મળીશ. મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાંથી GST વસૂલવામાં આવે છે, પરંતુ કેન્દ્ર તેને વહેંચી રહ્યું નથી. પશ્ચિમ બંગાળને પણ મનરેગા જેવી વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ ફંડ મળી રહ્યું નથી. અમને કેન્દ્ર તરફથી નાણાકીય લેણાંથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.