Site icon Revoi.in

પશ્ચિમ રેલવેઃ અમદાવાદ મંડળની 86 દિવસમાં આવક 1900 કરોડને પાર, ગયા વર્ષની સરખામણીમાં 53 ટકાનો વધારો

Social Share

અમદાવાદઃ પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેની આવક વધારવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે અને તેની ગતિ જાળવી રાખી છે  અમદાવાદ મંડળે 25 જૂન, 2022ના રોજ 86 દિવસમાં કુલ રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ. 1239.73 કરોડની સરખામણીએ 54 ટકા વધુ છે.

અમદાવાદ મંડળે આ 86 દિવસમાં ફ્રેટ લોડિંગ આવકમાં રૂ. 1600 કરોડનો આંકડો પૂરો કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 1124.89 કરોડ જેમાં 42.53 ટકા નો વધારો થયો છે. મંડળ રેલ પ્રબંધકે જણાવ્યું હતું કે, મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સક્રિય માર્કેટિંગ પ્રયાસો અને નીતિઓમાં ધરખમ ફેરફારોને કારણે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી છે.

અમદાવાદ મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રોમાં બોર્ડ દ્વારા નીતિઓમાં મોટા ફેરફારો અને મહત્તમ માર્કેટિંગ પ્રયાસોને પરિણામે આવકમાં સતત વધારો થયો છે. અમદાવાદ મંડળમાં, 25મી જૂન, 2022ના રોજ ગાંધીધામ વિસ્તારમાંથી 2716 વેગન લોડ કરવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીમાં એક દિવસનું મહત્તમ લોડિંગ છે. જે 21 જૂન 2022ના અગાઉના શ્રેષ્ઠ લોડિંગ 2683 વેગન કરતાં 33 વેગન વધુ છે

આ દરમિયાન મંડળના ગાંધીધામ વિસ્તારમાંથી 25 જૂન 2022ના રોજ કુલ (56 રેક/2716 વેગનમાં), ખાતર નાં (14 રેક/732 વેગન), મીઠું (5 રેક/210 વેગન), કોલસો (10 રેક/585) વેગન), સોયા તેલ (1 રેક/42 વેગન), એલપીજી (1 રેક/31 વેગન), સ્ટીલ પાઇપ (1 રેક/46 વેગન), બેન્ટોનાઈટ પાવડર (1 રેક/45 વેગન) અને કન્ટેનર (23 રેક/1025 વેગન) લોડ કરવામાં આવ્યા હતા.