Site icon Revoi.in

સુરત મ્યુનિ.ને રેલવેએ પાણીનું બીલ મોકલવાનું કહ્યું ત્યારે જાણ થઈ કે, દોઢ કરોડ ઉઘરાણી બાકી છે

Social Share

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનનો કેવો અંધેર વહિવટ છે, કે રેલવેને મીટરથી અપાતા પાણીનું બિલ જ વર્ષોથી મોકલ્યા નથી, અને રેલવેએ રિમાન્ડર આપીને બીલની માગણી કરી છે. ત્યારે મ્યુનિ.ના અધિકારીઓને જાણ થઈ કે, રેલવે પાસે દોઢ કરોડની ઉઘરાણીબાકી નિકળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં વોટર મીટરના ધોરણે લોકો પાસેથી દર મહિને વસુલાતા બિલ પાલિકાએ 1 વર્ષથી મોકલ્યા નથી ત્યારે રેલવેને અપાતા રોજના લાખો લીટર પામી પેટે પણ ડિસેમ્બર-2019થી બિલ વસુલ્યા ન હોવાની બેદરકારી સામે આવી છે. દરેક ટ્રેનમાં તેમજ રેલવે સ્ટેશનની 2 ઓવરહેડ અને 3 અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં લાખો લીટર પાણી વપરાઈ રહ્યું છે. છતાં પાલિકાનો સેન્ટ્રલ ઝોન વોટર મીટરના આધારે બિલ લેવાનું 2 વર્ષથી ભૂલી ગઈ હતી. ખુદ રેલવે વિભાગે આ અંગે પાલિકાને પત્ર પાઠવી વોટર મીટરના બિલ માંગ્યા હતાં. જેની તપાસમાં રેલવેને અપાયેલું 10 ઈંચનું વોટર મીટર જ બગડી ગયું હોવાની પાલિકા કર્મીઓને જાણ થઇ હતી. આ અંગે હવે પાલિકાએ ડિસેમ્બર-2019થી જાન્યુઆરી-2022 સુધીના ગાળાના બાકી વોટર બિલની વિસંગતતા દૂર કરવા એવરેજ બિલ કાઢીને અંદાજે દોઢ કરોડ રૂપિયાની રિકવરી કાઢી છે. એક તરફ પાલિકા કમિશનર નવા આવકના સ્ત્રોત માટે કવાયત કરી રહ્યાં છે ત્યાં હયાત રેવન્યુ પેટેનાં લેણાં જ વસૂલવામાં મ્યુનિ.ના કર્મચારીઓ બેદરકારી આચરી રહ્યા છે.

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલવેને અપાતા પાણી પેટે વર્ષ-2019થી જાન્યુઆરી-2022 સુધીના બિલ વોટર મીટર બગડી જતા આપી શકાયા નથી. હવે ઉપયોગની સરેરાશ કાઢીને બાકી લેણાં વસુલાશે. આશરે દોઢ કરોડ રૂપિયા જેટલા બાકી લેણાં માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે.