Site icon Revoi.in

ગુજરાતમાં 63 જેટલાં IAS અધિકારીઓની ઘટ છે, ત્યારે 2023ના વર્ષમાં વધુ ડઝન અધિકારીઓ નિવૃત થશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની સંખ્યા 313ની હોવી જોઈએ, તેના બદલે હાલ 250 આઈએએસ અધિકારીઓની સંખ્યા છે. જેમાં આ વર્ષે યાને 2023ના વર્ષમાં ડઝન જેટલા અધિકારીઓ વય નિવૃત થઈ રહ્યા છે. નવા વર્ષે ગુજરાત કેન્દ્ર સરકાર સમક્ષ વધુ સનદી અધિકારીઓ ફાળવી આપવા માગણી કરશે. હાલ ગુજરાતના બે સનદી અધિકારી પરત ફરવા એટલે કે સુપરન્યુએટ થઇ શકે છે. કેડર બદલવાની પ્રક્રિયા પાંચ વર્ષે થતી હોય છે અને નવા વર્ષે આ પ્રક્રિયા થવાની છે એવા સમયે ગુજરાત આ વર્ષે વધુ સનદી અધિકારીઓ ફાળવવાની માગણી કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ભાજપ સરકારે ફરીવાર કાર્યભાર સંભાળ્યો છે. નવી સરકાર સામે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાના સંકલ્પને સાકાર કરવા સાથે રાજ્યના અર્થતંત્રની ગતિને મોંઘવારી અને ભાવ વધારા વચ્ચે આગળ વધારવાનો પડકાર છે, એની સાથે વહીવટી તંત્રમાંથી ક્રમશ: વરિષ્ઠ અને અનુભવી સનદી અધિકારીઓની ખેંચનો પડકાર પણ મોટો થઇ રહ્યો છે. નવા વર્ષ 2023માં જ રાજ્યના વહીવટી તંત્રમાંથી મુખ્યસચિવ સહિત લગભગ એક ડઝનથી વધુ સનદી અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે. આમેય ગુજરાતની માન્ય સનદી અધિકારીઓની ક્ષમતા 313 છે એની સામે હાલ 250 સનદી અધિકારીઓ જ છે એના કારણે એક ડઝનથી વધુ સનદી અધિકારીઓને એક યા બીજા વિભાગોનો એડિશનલ ચાર્જ આપીને ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નવા વર્ષમાં ગુજરાતમાં G20 સમિટની 15 મહત્ત્વની બેઠકો યોજાવાની છે એમાં ફેબ્રુઆરીમાં શહેરી વિસ્તારો માટેની જી-20 સમિટ યોજાવાની છે. આ માટેની તૈયારીઓ માટે તાજેતરમાં જ સરકારે કેન્દ્રમાંથી પરત ફરેલા મોના ખંધારને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. 2019માં  ખંધારને કેન્દ્ર સરકાર દ્વારા ટોક્યો, જાપાન ખાતે કોમર્સ અને ઇકોનોમિક બાબતો માટેના (મંત્રી) પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરાયા હતા. પટેલ સરકારે પહેલી નિમણૂક માટે કરેલા આદેશોમાં ખંધારને રાજ્યના આર્થિક બાબતોના અગ્રસચિવ તરીકે નિમણૂંક કરી હતી. હવે તેઓ પોતાના જાપાનના અનુભવોના આધારે G20 બેઠકો સફળતાપૂર્વક સંપન્ન થાય એના માટે ઉદ્યોગ કમિશનર કચેરી દ્વારા રચાયેલી કમિટીઓની કામગીરીને આગળ વધારશે. હાલના મુખ્યસચિવ પંકજકુમારની અગાઉ વધારાયેલી અવધિ 31મી જાન્યુઆરીએ પૂરી થઇ રહી છે, આમ તો હાલ તેમણે પોતાની જવાબદારીઓને એ જ રીતે આગળ વધારી રહ્યા છે જેવી રીતે એમને એક્સ્ટેન્શનના સંકેતો હોય. છતાં ઔપચારિક રીતે સત્તાવાર નિર્ણય અંતિમ સપ્તાહમાં આવી શકે છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યના મુખ્યસચિવ સિવાય રાજ્ય વહીવટી તંત્રમાંથી વધુ કેટલાક સિનિયર અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે, એમાં પંકજકુમારના બેચ મેટ વિપુલ મિત્રા (1986) કે જેઓ હાલ પંચાયત અને ગ્રામવિકાસ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે સેવા આપી રહ્યા છે. એ જ રીતે કેન્દ્રમાં ડેપ્યુટેશન હેઠળ સેવારત અડધા ડઝન જેટલા સનદી અધિકારીઓ પૈકી બે મહત્ત્વના એસ. અર્પણા અને બીબી સ્વૈન પણ 2023માં નિવૃત્ત થઇ રહ્યા છે. એસ. અર્પણા (1988) કેન્દ્રના ફર્ટિલિઝર અને કેમિકલ મંત્રાલયમાં સચિવ છે તો સ્વૈન (1988) એસએમઇ મંત્રાલયના સચિવ છે. આ જ રીતે રાજ્યમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ મનોજ અગ્રવાલ (1990) પણ વર્ષ દરમિયાન નિવૃત્ત થશે.  રાજ્યના વેર હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર સંજય નંદન, વડાપ્રધાન કાર્યાલયમાં વિશેષ જવાબદારી નિભાવતા સંજય ભાવસાર, અમદાવાદના નાયબ મ્યુનિ. કમિશનર આર.એ. મેરજા, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર બી.જી. પ્રજાપતિ, રિજન કમિશનર મ્યુનિસિપાલિટીઝ, રાજકોટ, ડી.બી. વ્યાસ પણ વર્ષ દરમિયાન નિવૃત્ત થઇ રહ્યા છે.