Site icon Revoi.in

કોવિડ-19માં ભારતમાં 47 લાખ લોકોના મોત WHOનો અહેવાલ, સરકારે રિપોર્ટ ફગાવ્યો

Social Share

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓએ કોવિડ-19થી બારતમાં 47 લાખ વ્યક્તિઓના મોતના અંદાજનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જો કે, ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલને ફગાવી દીધો હતો. ડબલ્યુએચઓએ જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021ના સમયગાળામાં લગભગ 47 લાખ લોકોના મોત થયા છે, જે સત્તાવાર રીતે આપવામાં આવેલા આંકડા કરતા લગભગ 10 ગણા વધારે છે.

દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતોએ ભારતમાં કોરોના અથવા તેની અસરોને કારણે 47 લાખ લોકોના મૃત્યુના અંદાજ માટે WHO દ્વારા ઉપયોગમાં લેવાતી ‘મોડેલિંગ’ પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે, તેમણે કહ્યું કે તેઓ આ સંદર્ભમાં વૈશ્વિક આરોગ્ય સંસ્થા દ્વારા અપનાવવામાં આવેલા અભિગમથી નિરાશ છે, જે ‘બધા માટે એક નીતિ’ અપનાવવા સમાન છે.

ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, નીતિ આયોગના સભ્ય વી.કે.પોલ અને એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ અહેવાલને અયોગ્ય અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. વીકે પોલે ડબ્લ્યુએચઓના અહેવાલને નકારી કાઢતા કહ્યું કે, ભારત વૈશ્વિક સંસ્થાને ખૂબ જ નમ્રતાથી અને રાજદ્વારી માધ્યમો દ્વારા સ્પષ્ટપણે ડેટા અને તર્કબદ્ધ દલીલો સાથે કહે છે કે તે તેના દેશ માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સાથે સહમત નથી. નીતિ આયોગના સભ્યએ કહ્યું કે, હવે જ્યારે તમામ કારણોથી મૃત્યુની વાસ્તવિક સંખ્યા ઉપલબ્ધ છે, માત્ર મોડેલિંગ આધારિત અંદાજોનો ઉપયોગ કરવા માટે કોઈ યોગ્ય નથી.”

નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ (NTAGI)ના પ્રમુખ એનકે અરોરાએ અહેવાલને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે ઘણા વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર (પ્રતિ મિલિયન) છે. બલરામ ભાર્ગવે કહ્યું, “મહત્વની વાત એ છે કે જ્યારે કોવિડથી મૃત્યુ થયા, ત્યારે અમારી પાસે મૃત્યુની કોઈ વ્યાખ્યા નહોતી. WHO પાસે પણ આ સંબંધમાં કોઈ વ્યાખ્યા નહોતી. રણદીપ ગુલેરિયાએ પણ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ભારતમાં જન્મ અને મૃત્યુ નોંધણીની ખૂબ જ મજબૂત સિસ્ટમ છે અને તે આંકડાઓ ઉપલબ્ધ છે, પરંતુ WHOએ તે આંકડાઓનો ઉપયોગ કર્યો નથી.