Site icon Revoi.in

ગુજરાતમાં FRCએ ખાનગી શાળાઓની કેટલી ફી નક્કી કરી તે માહિતી વેબસાઈટ પર કેમ મુકાતી નથી ?

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓની ફી નક્કી કરવા ફી નિર્ધારણ કમિટી બનાવવામાં આવી છે. અને દર ત્રણ વર્ષે ખાનગી શાળાઓનો હિસાબ-કિતાબ તપાસીને ફી નક્કી કરવામાં આવતી હોય છે. પરંતુ કઈ શાળાની કેટલી ફી છે. તે વાલીઓને માહિતી મળતી નથી. આથી તમામ ખાનગી શાળાઓની ફીની માહિતી એફઆરસીની વેબસાઈટ પર મુકવાની વાલીઓએ માગ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ફી રેગ્યુલેશન કમિટી દ્વારા કેટલીક સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત તથા કેટલીક સ્કૂલોનો ફી વધારો મંજુર કરવામાં આવ્યો છે. કમિટી દ્વારા વધારવામાં આવેલી ફી સરકારી વેબસાઈટ પર જાહેર કરવામાં આવતી નથી. ફી જાહેર કરવા વાલીઓએ અનેક વખત માંગ કરી છે, તેમ છતાં ફી વેબસાઈટ પર જાહેર કરાઈ નથી. જેથી વાલી મંડળે  એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો 15 દિવસમાં ફીની વિગત વેબસાઈટ પર જાહેર કરવામાં નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં FRC દ્વારા 4 ઝોનની 2022-23ના વર્ષની મંજુર કરેલી ફાઇનલ ફી વેબસાઈટ અને સ્કૂલોના નોટિસ બોર્ડ પર જાહેર કરવાની હોય છે પરંતુ હજુ FRC દ્વારા ફી જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અનેક સ્કૂલો વધુ ફી ઉઘરાવી વાલીઓને લૂંટી રહી છે જેથી હવે વાલીમંડળે અનેક રજુઆત કરી છે.વાલી મંડળનો આક્ષેપ છે કે FRC ની બેદરકારીના કારણે જ સ્કૂલો બેફામ ફી ઉઘરાવી રહી છે.ફી જાહેર કરવામાં આવે તો સ્કૂલ દ્વારા વધુ ફી ના લઈ શકાય માટે ફી જાહેર કરવી જોઈએ. આ અંગે ગુજરાત વાલી મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે સાથે જ 15 દિવસમાં ફી FRC ની વેબસાઈટ તથા સ્કૂલના નોટિસ બોર્ડ પર જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.15 દિવસમાં જાહેર કરવામાં નહીં આવે તો વાલી મંડળ અન્ય વાલીઓ સાથે કાળા કપડાં પહેરીને વિધાનસભાનું ઘેરાવ કરશે.